બિલાડી બધુ શીખવે, પણ વાઘને ઝાડ પર ચડતાં ના શીખવે

 

બિલાડી બધુ શીખવે, પણ વાઘને ઝાડ પર ચડતાં ના શીખવે

 

બિલાડી વાઘની માસી કહેવાય છે. વાઘની પ્રજાતિની જ આ નાની એડિશન છે. એવું કહેવાય છે કે વાઘમામાને શિકાર કરતાં બિલાડીએ શીખવાડ્યું, વાર્તામાં એ મુજબ કહ્યું છે કે શિકારની બધી તાલીમ પૂરી થઈ એટલે વાઘે વિચાર્યું કે આ બિલાડી દુનિયામાં બધાંને કહેશે કે વાઘને શિકાર કરતાં મેં શીખવાડ્યું છે. આમ થશે તો મારી બદનામી થશે. આવો મલીન વિચાર કરીને વાઘે નક્કી કર્યું કે બિલાડીને જ મારી નાખવી એટલે આ મુદ્દો કે એનો પૂરાવો જ ઊભો રહે નહીં. છેલ્લે દિવસે એણે લાગ જોઈએ બિલાડી પર પંજો ઉગામ્યો. પણ બિલાડી સતેજ હતી, એ દોડતી બાજુના ઝાડ પર ચડી ગઈ. વાઘ આ ઝાડ પર ચડી શકે તેમ ન હતો. એણે નીચે ઊભા ઊભા ઘુરકીયાં કર્યાં અને કહ્યું મારી તાલીમ આટલી કાચી રાખીને?

બિલાડી એ કહ્યું, “બેટા જો તને ઝાડ પર ચડતાં શીખવાડ્યું હોત તો આજે તું મારો ઘડો લાડવો કરી નાખત!”

આ કહેવતમાંથી એવો બોધ મળે છે કે ગુરુએ ચેલાની પાત્રતા જોઈને તેને વિદ્યા આપવી જોઈએ. ગુરુચાવી એટલે કે છેલ્લો દાવ પોતાના હાથમાં જ રાખવો જોઈએ કે જેથી ક્યારેક ચેલાની મતિ બગડે તો મરવાનો વારો ના આવે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]