ડો. અબ્દુલ કલામ: મિશન સાથે માનવતા

English Version‘મિસાઈલ મેન’ની માનવીય ખૂબી દર્શાવતો પ્રેરક પ્રસંગ…

કેરળના એક મથકમાં ૭૦ જેટલા વિજ્ઞાનીઓ કોઈક મહત્ત્વના પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા. કામના દબાણને કારણે અને ઉપરી સાહેબની માગણીઓને કારણે એ સૌ થોડાક માનસિક તાણમાં હતા, પરંતુ દરેક જણ સાહેબને વફાદાર પણ હતા એટલે નોકરી છોડવાનું ઈચ્છતા નહોતા.

એક દિવસ એમાંના એક વિજ્ઞાની સાહેબ પાસે ગયા અને કહ્યું, ‘અમારા વિસ્તારમાં એક પ્રદર્શન લાગ્યું છે. મેં મારા બાળકોને વચન આપ્યું છે કે હું એમને એ પ્રદર્શનની મુલાકાતે લઈ જઈશ. તેથી મારે આજે સાંજે ૫.૩૦ વાગ્યે ઓફિસેથી નીકળી જવું છે.’ સાહેબે કહ્યું, ‘ઠીક છે, તમને આજે ઓફિસેથી વહેલા જવાની પરવાનગી આપું છું.’

એ વિજ્ઞાનીએ એમનું કામ શરૂ કર્યું. લંચ સમય બાદ પણ એમણે કામ ચાલુ રાખ્યું હતું. રોજની આદત મુજબ એ તેમના કામમાં એકદમ મશગુલ થઈ ગયા હતા. છેવટે જ્યારે કામ પૂરું થવા આવ્યું ત્યારે ઘડિયાળમાં નજર કરી તો એમાં રાતના ૮.૩૦ વાગ્યા હતા. અચાનક એમને યાદ આવ્યું કે એમણે તો બાળકોને પ્રદર્શનમાં લઈ જવાનું વચન આપ્યું હતું.

એમણે સાહેબનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો તો ખબર પડી કે એ નીકળી ગયા હતા. સાહેબે તો સવારે જ વિજ્ઞાનીને સાંજે વહેલા નીકળી જવાની પરવાનગી આપી દીધી હતી. વિજ્ઞાનીએ કામકાજ બંધ કર્યું અને ઘેર જવા રવાના થયા. બાળકોને નિરાશ કર્યાનું દુ:ખ એમને સતાવતું હતું.

એ ઘેર પહોંચ્યા. બાળકો ઘેર નહોતા. એમના પત્ની ઘરમાં એકલાં બેઠાં હતાં અને મેગેઝિન વાંચી રહ્યાં હતાં. મામલો ગંભીર હતો. પોતે કંઈ પણ બોલે તો આકરાં વેણ સાંભળવા પડે એવું હતું. ત્યાં જ પત્નીએ પૂછ્યું, ‘તમારે કોફી પીવી છે કે સીધા જમવા જ બેસવું છે? જો ભૂખ લાગી હોય તો.’ વિજ્ઞાનીએ જવાબ આપ્યો, ‘જો તું પણ પીવાની હોય તો આપણે બેઉ કોફી પીએ, પણ બાળકો ક્યાં છે?’

પત્નીએ જવાબ આપ્યો, ‘તમને નથી ખબર? તમારા સાહેબ સાંજે ૫.૧૫ વાગ્યે અહીં આવ્યા હતા અને એ બાળકોને પ્રદર્શન જોવા લઈ ગયા છે.’

હવે બન્યું હતું એવું કે… ઘેર વહેલા જવાની પરવાનગી આપનાર સાહેબે પેલા વિજ્ઞાનીને સાંજે પાંચ વાગ્યે એકદમ ગંભીરતાથી કામ કરતા જોયા હતા. એમણે વિચાર્યું હતું કે આ માણસ કામ નહીં છોડે, પરંતુ જો એમણે એમના બાળકોને વચન આપ્યું હોય તો બાળકોને પ્રદર્શન જોવાનો આનંદ પણ મળવો જોઈએ. તેથી બાળકોને પ્રદર્શનમાં એ જ લઈ ગયા હતા. સાહેબ પ્રત્યે વિજ્ઞાનીઓમાં વફાદારીનું ઘડતર આમ જ થયું હતું.

કેરળના તિરુવનંતપુરમમાં રોકેટ લોન્ચિંગ મથક થુમ્બા ખાતે કામકાજ વખતે માનસિક તાણ રહેતી હોવા છતાં તમામ વિજ્ઞાનીઓએ એમના આ સાહેબના હાથ નીચે કામ કરવાનું ચાલુ રાખ્યું હતું.

હવે તમને સવાલ થશે કે એ સાહેબ કોણ હતા? તો એ બીજું કોઈ નહીં, પણ મહાન એરોસ્પેસ વિજ્ઞાની ‘ભારત રત્ન’ ડો. એ.પી.જે. અબ્દુલ કલામ હતા.