મહાત્મા ગાંધીની પ્રેરક વાર્તા

English Versionમહાત્મા ગાંધીનો સંદેશ: પહેલાં સ્વયંને બદલો

એક મહિલા એના પુત્રની સાકર વધારે પડતી ખાવાની આદતથી પરેશાન હતી. ઘણું સમજાવ્યો તે છતાં દીકરો એ આદત છોડતો નહોતો.

મહિલાને થયું દીકરાને પોતાના પ્રેરણામૂર્તિ ગાંધીજી પાસે લઈ જાઉં, બાપુની સલાહ માનીને દીકરો આદત છોડી દેશે એવો એને વિશ્વાસ હતો.

દીકરાને એ અમદાવાદમાં ગાંધીજી પાસે એમના આશ્રમમાં લઈ ગઈ અને કહ્યું:

બાપુ, મારો દીકરો સાકર બહુ ખાય છે. એના સ્વાસ્થ્ય માટે એ સારું નથી. કૃપા કરીને તમે એને આ આદત છોડી દેવાનું કહો.

બાપુએ મહિલાની વાત શાંતિથી સાંભળી, પણ એમણે છોકરાને કોઈ સલાહ આપવાની ના પાડી, અને મહિલાને કહ્યું:

તમે ઘેર પાછાં ફરો, બે અઠવાડિયાં પછી ફરી આવો.

મહિલા થોડીક નારાજ થઈ. એણે કહ્યું:બાપુ અમે બહુ દૂરથી, તકલીફ વેઠીને આવ્યાં છીએ.પરંતુ બાપુ માન્યા નહીં.

મહિલા ઘેર પાછી ફરી. બે અઠવાડિયાં પછી ફરી દીકરાને બાપુ પાસે લઈ આવી.

ત્યારે બાપુએ છોકરાને ઉદ્દેશીને કહ્યું:

જો બેટા, તું સાકર ખાવાનું છોડી દે. તારા સ્વાસ્થ્ય માટે એ સારું નથી.

છોકરો સાંભળીને સ્તબ્ધ થઈ ગયો, અને સાકર ખાવાની આદત છોડી દેવાનું વચન આપ્યું.

માતાને આશ્ચર્ય થયું. એણે બાપુનો આભાર માન્યો, પણ પૂછ્યું:

તમે આ જ સલાહ પેલા દિવસે કેમ નહોતી આપી? એને માટે બે અઠવાડિયાં કેમ લીધાં?’

બાપુએ હસીને નમ્રતાપૂર્વક જવાબ આપ્યો:

જુઓ બહેન, બે અઠવાડિયાં પહેલાં હું પોતે પણ સાકર ખાતો હતો.