શ્રાવણમાં સાત્ત્વિક આહારનું આટલું મહત્ત્વ કેમ?

શ્રાવણ એ હિંદુઓ માટે આધ્યાત્મિક મહિના તરીકે ઓળખાય છે. આ સમય તહેવારોનો પણ છે. રક્ષાબંધન, જન્માષ્ટમી, નાગપંચમી, વ્રત, વગેરે આ સમયે મહત્તમ હોય છે, જેમાં આધ્યાત્મિકતા સાથે ઉપવાસનું પણ આગવું મહત્ત્વ છે. શ્રાવણ શરૂ થતાં જ સમગ્ર દેશમાં, અને એમાં પણ ગુજરાતીઓમાં આ સમય મહાદેવની રુદ્રી જેવી આરાધના તેમ જ ઠાકોરજીનાં હિંડોળાદર્શન જેવી સેવામાં પસાર થાય છે. ઈશ્ર્વરને રીઝવવા માટે વ્રત, જાપ, તપ, વગેરે આ સમયે કરવામાં આવે છે. આ બધાં કારણે શ્રાવણ મહિનો પવિત્ર ગણાય છે, જેમાં મન અને શરીરને શુદ્ધ કરવા માટે પૂજાપાઠ સાથે ઉપવાસને પણ આગવું મહત્ત્વ અપાય છે.

ઘણાં ઘરોમાં આખો શ્રાવણ માસ ઉપવાસ અથવા એકટાણાં કરાય છે. શ્રાવણના સોમવારનું વિશેષ મહત્ત્વ હોવાથી જે લોકો આખો મહિનો એકટાણાં ન કરી શકે એમ હોય એ કમ સે કમ દર સોમવારે ઉપવાસ ચોક્કસ કરે છે.

આવા પવિત્ર માસનો ઉપવાસ સાથે શું સમન્વય છે? શું આહારની અસર મન પર થાય છે? આ પ્રશ્ર્નનો ઉત્તર ચોક્કસપણે હા  છે. સાત્ત્વિક આહાર દ્વારા આપણે મન તેમ જ શરીરને શુદ્ધ કરી શકીએ છીએ. આત્મશુદ્ધીકરણ કરાવતા આ મહિનામાં ઉપવાસનું આગવું મહત્ત્વ છે. આપણી સંસ્કૃતિમાં સાત્ત્વિક આહારને ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે, જેના થકી શારીરિક, માનસિક તેમ જ આધ્યાત્મિક ફાયદા મેળવી શકાય છે. આહાર આ બધી ક્રિયામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલું છે કે આહાર અને મન એ એકબીજા સાથે સંકળાયેલાં છે. જેવું ખાઈએ અન્ન એવું બને મન  આ કહેવત આપણે નાનપણથી સાંભળતાં આવ્યાં છીએ, પરંતુ એના મહત્ત્વ વિશે કદાચ હજી પણ આપણે અજાણ છીએ.

સારું સ્વાસ્થ્ય જાળવી રાખવા માનસિક શાંતિ માટે, તો આધ્યાત્મિક પ્રગતિ માટે પણ સાત્ત્વિક ખોરાક લેવો જરૂરી છે એટલે પૂજાપાઠ, અનુષ્ઠાન જેવી આધ્યાત્મિક ક્રિયા ઉપવાસ રાખીને કરવામાં આવે છે. ઉપવાસમાં જે આહાર લેવામાં આવે છે એને સાત્ત્વિક આહાર કહેવાય છે, જેમાં ફળાહારનો પણ સમાવેશ થાય છે. ઉપવાસમાં લેવાતાં ખાદ્યોથી મનની પણ શુદ્ધિ થાય છે. શ્રાવણ મહિનામાં ફરાળમાં લેવાતાં ખાદ્યોમાં ફ્રૂટ, ફ્રૂટ જ્યુસ, ડ્રાયફ્રૂટ્સ ઉપરાંત રાજગરો, મોરૈયો, સાબુદાણા, શિંગોડાં, બટેટાં, શક્કરિયાં, વગેરેનો સમાવેશ થાય છે, જે કાર્બોહાઈડ્રેટયુક્ત તો છે જ, સાથે સાથે મિનરલ્સથી ભરપૂર છે, જેને નિયંત્રિત પ્રમાણમાં લેવાથી પેટ હળવું રહે છે, આવી પરંપરાગત ખાદ્ય સામગ્રીમાંથી આ સમયે અવનવી વરાઈટી બનાવવામાં આવે છે, જેમાં શિંગતેલ, સિંધવ નમક, મરી પાવડર, જીરું, લીમડો, વગેરેનો ઉપયોગ થાય છે.

આ ફરાળી ખાદ્યોનું મહત્ત્વ પોષણકીય ભાષામાં સમજીએ તો શ્રાવણ દરમિયાન ફ્રૂટ સૅલડ એક તાજગીભર્યો અને પૌષ્ટિક વિકલ્પ છે, જે તમને ઉપવાસ દરમિયાન ઊર્જાવાન રાખવા માટે કુદરતી વિટામિન અને હાઈડ્રેશન પ્રદાન કરે છે. સાબુદાણા, રાજગરો, મખાણા અને બિયાં એ ઊર્જાથી ભરપૂર, પચવામાં સરળ અને સમગ્ર વ્રત દરમિયાન તમને મજબૂત અને સ્વસ્થ રાખવા માટે જરૂરી પોષક તત્ત્વોથી ભરપૂર છે.

દહીં, છાશ, પનીર અને ઘી જેવાં દૂધનાં ઉત્પાદનો પ્રોટીન, કૅલ્શિયમ અને સ્વસ્થ ચરબીના સારા સ્રોત છે, જે શ્રાવણના ઉપવાસ દરમિયાન તમારા શરીરને પોષણ આપવા માટે ઉત્તમ છે. બદામ, ખજૂર, કિસમિસ અને સૂકાં ફળો શ્રાવણ વ્રત દરમિયાન ઊર્જા વધારવા માટે આવશ્યક વિટામિન્સ અને ખનિજો પ્રદાન કરે છે. નાળિયેરપાણી તેમ જ ફ્રૂટ જ્યુસ કુદરતી અને તાજગી આપતાં પીણાં છે, જે તમને હાઈડ્રેટેડ રાખવામાં મદદ કરે છે અને આવશ્યક ઈલેક્ટ્રોલાઈટ્સ પૂરાં પાડે છે. શક્કરિયાં, અળસી, દૂધી અને બટેટાં જેવાં કેટલાંક શાકભાજી પૌષ્ટિક હોવા ઉપરાંત સરળતાથી પચી જાય એવા વિકલ્પ છે. સિંધવ મીઠું, મરી અને ધાણા સામાન્ય રીતે શ્રાવણ વ્રત દરમિયાન ઉપયોગમાં લેવાતા મસાલા છે, જે સ્વાદ ઉમેરે છે, પાચનમાં મદદ કરે છે અને ભોજનને હળવું પણ રાખે છે.

અત્યારના સમયમાં ફરાળી વાનગીઓની ઘણી વરાઈટી બજારમાં ઉપલબ્ધ છે, જેમાં સાબુદાણા ખીચડી, પેટિસ, વગેરે તો છે જ. એ ઉપરાંત, ફરાળી સૅન્ડવિચ, પિઝા, સમોસાં, વગેરે પણ જોવા મળે છે. જુદી જુદી વાનગી ખાવાના શોખીનો માટે તો આ મહિનો કંઈક નવું ટેસ્ટ કરવા માટેનો પણ છે. જો કે હકીકતમાં ઉપવાસ દરમિયાન તમારે સૌપ્રથમ તો સ્વાદ પર અંકુશ મેળવવાની જરૂર છે. એને જ સાચું તપ કહેવાય અને એ જ સાત્ત્વિક આહાર કહેવાય, અન્યથા આવા ઉપવાસનો કોઈ અર્થ રહેતો નથી. ઘરમાં બનેલો પારંપરિક ફરાળ જ આ સમયે લેવાવો જોઈએ, અને એમાં પણ ફરાળમાં ફળાહારનો ઉપયોગ મહત્તમ થાય તો જ આધ્યાત્મિક ઉપવાસ સાર્થક થયો ગણાય, કારણ કે સાત્ત્વિક આહાર એટલે મૂળભૂત રીતે આયુર્વેદના સિદ્ધાંત મુજબ બનેલો ખોરાક, જેમાં શુદ્ધતા, સંતુલન અને પોષણ હોય, જે શરીર તથા મનને સકારાત્મકતા બક્ષે, જેમાં તાજાં-શુદ્ધતાથી બનેલ ખાદ્યોનો સમાવેશ થાય અને વધુપડતા તેજાના, ગરમ મસાલા, લસણ, ડુંગળી (કાંદા), વગેરેનો ઉપયોગ ન થતો હોય. આ પ્રકારનો આહાર મનને સ્થિર રાખી શકે અને શરીરને શુદ્ધ કરી શકે.

(ડાયેટીશ્યન તરીકે દસ વર્ષથી વધારે સમયનો અનુભવ ધરાવતા ડો. હીરવા ભોજાણી અમદાવાદસ્થિત એસવીપી હોસ્પિટલમાં ચીફ ડાયેટીશિયન તરીકે કાર્યરત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આહાર વિષયક પ્રોગ્રામ્સમાં સક્રિય ભાગ લેનાર ડો. હીરવા ભોજાણી આ વિષય પર નિયમિત લખતા-બોલતાં રહે છે.)