શિયાળો શરૂ થતાં જ શરીરને ઊર્જા અને બારે મહિનાની તાકાત જમા કરી આપે એવી વાનગી અને વસાણાં બનવાની
શરૂઆત થઈ જાય. આ વસાણાં ઠંડીમાં ગરમાવો આપે અને સાથે સાથે સ્વાસ્થ્યને લગતા ફાયદા પણ કરાવે. શિયાળામાં શક્તિવર્ધક તેમ જ રોગપ્રતિકારક શક્તિ વધારે એવા ખાદ્ય પદાર્થોનો ઉપયોગ કરવો જરૂરી પણ છે. આ કારણે જ આમળાંમાંથી બનતી અલગ અલગ વાનગી, જેમ કે અડદિયા, મેથીપાક, ગુંદરપાક, ખજૂરપાક, વગેરે શિયાળામાં ઑન ડિમાન્ડ રહે છે. આ ઉપરાંત, તલ, શીંગ, દાળિયા અને ડ્રાયફ્રૂટ્સમાંથી બનતી ચીકી તો મોટા ભાગે બધાની ફેવરીટ હોય છે.
શિયાળામાં બનતાં મોટા ભાગનાં વસાણાંમાં ગુંદરનો ઉપયોગ થાય છે. બાવળના ઝાડની ડાળીઓને વચ્ચેથી કાપીને-એમાં તિરાડ પાડીને અંદરથી પ્રવાહી કાઢવામાં આવે છે. ત્યાર બાદ એને સૂકવીને એના નાના ટુકડા કે દાણા કરવામાં આવે છે. એ જ આ ગુંદર. આપણે એને ખાવાના ગુંદર તરીકે ઓળખીએ છીએ. અંગ્રેજીમાં એને ગોંદ કહે છે.
ગુંદર ખૂબ પૌષ્ટિક પદાર્થ છે. ગુંદરનો ઉપયોગ આ સીઝનમાં કરવામાં આવે છે, કારણ કે સૌપ્રથમ તો એ શરીરને ગરમાવો આપવાનું કામ કરે છે. આ ઉપરાંત, એ આપણને ઘણી રીતે ફાયદાકારક છે. ગુંદર સાંધાના દુખાવા, એમાં પણ ખાસ તો કરોડરજ્જુને લગતા દુખાવામાં રાહત આપે છે. એમાં કૅલ્શિયમનું પ્રમાણ સારું હોવાને કારણે એના ઉપયોગથી હાડકાંને નબળાં પડતાં અટકાવી શકાય છે. આ ઉપરાંત, જે લોકોમાં વિટામિન-ડીનું પ્રમાણ ઓછું હોય એમના માટે પણ આનો ઉપયોગ હિતકારક છે, કારણ કે વિટામિન-ડીના ખૂબ ઓછા સ્રોતમાં એક છે આ ગુંદર. એના ઉપયોગથી સાંધાના ઘસારાને પણ રાહત મળે છે. આયુર્વેદના મત મુજબ, ગુંદર એ શક્તિ તેમ જ સ્વાસ્થ્ય, બન્ને મેળવવા માટેનો એક મહત્ત્વનો માર્ગ છે.

ઘણા લોકોને ખબર નહીં હોય કે ગુંદરના ઉપયોગથી જખમ પર રૂઝ આવવામાં પણ મદદ મળે છે. ગુંદરમાં રહેલાં ખાસ સોલ્યુબલ ફાઈબર્સ કૉલેસ્ટરોલને જાળવવામાં અને બ્લડ પ્રેશરને અંકુશમાં રાખવામાં મદદ કરે છે. એ લોહીમાં શર્કરાનું સ્તર ઘટાડી શકે છે, આથી ડાયાબિટીસમાં પણ એ લઈ શકાય છે. જો કે ડાયાબિટીસ ધરાવતી વ્યક્તિ ચોક્કસપણે ખાંડ કે ગોળ વગર જ એનો ઉપયોગ કરી શકે. કિડનીની તકલીફવાળી વ્યક્તિ પણ ગુંદરનો ઉપયોગ કરી શકે છે, સામાન્ય રીતે કિડનીના દરદીઓને આહારને લગતી ઘણી પરેજી પાડવાની રહે છે, પરંતુ ગુંદરનો ઉપયોગ એ લોકો નિશ્ર્ચિંત થઈને કરી શકે છે. એમાં પણ કિડનીના દરદી ડાયાબિટિક નથી તો શક્તિ અને ઊર્જા પ્રાપ્ત કરવા તેઓ ગુંદરના લાડુનો ઉપયોગ પણ આ સીઝનમાં નિયમિત કરી શકે છે. અલબત્ત, ગુંદરની કેટલાક લોકોને એલર્જી પણ હોઈ શકે, જેને કારણે ત્વચા પર ફોલ્લીઓ, ખંજવાળ અથવા શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે, આથી એનું સેવન કરનારે આ બાબતનું ધ્યાન રાખવું.
સ્ત્રીઓને પ્રસૂતિ પછી આપણી પ્રથા પ્રમાણે ગુંદરપાક અથવા તો કાટલું કે પછી ગુંદરમાંથી બનાવેલી રાબ તેમ જ અન્ય વાનગી ખવડાવવામાં આવે છે, કારણ કે એના ઉપયોગથી માતાનું ધાવણ વધે છે, એની સાથેનાં ઓસડિયાં દ્વારા શરીરમાં રહેલ બગાડ દૂર થાય છે અને એ માતાને પણ શક્તિ તેમ જ પૌષ્ટિકતા પ્રદાન કરે છે, જેની આ સમયે એને ખૂબ જ જરૂર હોય છે. પ્રસૂતિ બાદ હાડકાંનો થતો ઘસારો પૂરવા માટે પણ ગુંદરનો ઉપયોગ કરવામાં આવે છે.
આમ, શિયાળામાં ઉપયોગી થતો આ ખાદ્ય પદાર્થ સામાન્ય હોવા છતાં પણ અસામાન્ય ફાયદા ધરાવે છે. ગુંદરનો ઉપયોગ રાબ, લાડવા, અડદિયા, ખજૂરપાક, ગુંદરપાક, સુખડી જેવી વાનગીમાં કરવામાં આવે છે.

શિયાળામાં આ પણ ધ્યાન રાખો…
હાઈડ્રેટ રહો: શિયાળામાં પાણી પીવું એ એટલું જ જરૂરી છે જેટલું અન્ય સીઝનમાં. તરસ ન લાગવાને કારણે પાણી પીવાનું ચુકાઈ ના જાય એનું ધ્યાન રાખવું. હૂંફાળું પાણી પાચન વ્યવસ્થિત જાળવવામાં મદદ કરશે. આ ઉપરાંત, શાકભાજીના સૂપ, હર્બલ ટી, કાવો જેવાં હૂંફાળાં પીણાં ઠંડાં પીણાંની જગ્યાએ લઈ શકાય.
રાંધેલાં ખાદ્યોનો ઉપયોગ કરવો: ગરમ રાંધેલાં ખાદ્યો આ સીઝનમાં પચવામાં સરળ રહે છે. કાચા ખોરાકની જગ્યાએ બાફેલા તેમ જ શેકેલા આહારનો ઉપયોગ સારો વિકલ્પ છે. ફણગાવેલાં કઠોળને પણ વરાળમાં થોડી વાર બાફવા દઈને ઉપયોગમાં લેવા. રોગપ્રતિકારક શક્તિ વધારવા આમળાં તથા વિટામિન-સી ધરાવતાં ફળોનો ઉપયોગ નિયમિત કરવો.
ગરમાવો આપતાં ખાદ્યોનો ઉપયોગ કરો: આપણી પારંપરિક શિયાળુ વાનગી, જેવી કે ગુંદરપાક, ગજક, ચીકી, ગાજરનો હલવો, ખજૂરપાક, વગેરેનો ઉપયોગ આ સીઝનમાં કરી શકાય.
નિયમિત કસરત અને 30 મિનિટ ચાલવાની આદત કેળવો: ઠંડા હવામાનમાં આપણે લાંબા સમય સુધી સૂવા અને આરામ કરવાનું પસંદ કરીએ છીએ. આ સમયે આપણે વધુ કૅલરીયુક્ત ખોરાક પણ ખાઈએ છીએ એટલે શિયાળામાં વસાણાં ખાવાની સાથે નિયમિત કસરત નહીં થાય તો વજન વધવાનો ખતરો રહે છે. હિતાવહ એ છે કે દરરોજ વ્યાયામ ફરજિયાતપણે કરવો.
(ડાયેટીશ્યન તરીકે દસ વર્ષથી વધારે સમયનો અનુભવ ધરાવતા ડો. હીરવા ભોજાણી અમદાવાદસ્થિત એસવીપી હોસ્પિટલમાં ચીફ ડાયેટીશિયન તરીકે કાર્યરત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આહાર વિષયક પ્રોગ્રામ્સમાં સક્રિય ભાગ લેનાર ડો. હીરવા ભોજાણી આ વિષય પર નિયમિત લખતા-બોલતાં રહે છે.)


