નવા સુધારિત ફીચર્સ-સુવિધાઓવાળી બુદ્ધિસ્ટ સર્કિટ ટૂરિસ્ટ ટ્રેન…

રેલવે બોર્ડના ચેરમેન અશ્વની લોહાનીએ 8 ડિસેમ્બર, શનિવારે નવી દિલ્હીમાં સફદરજંગ રેલવે સ્ટેશન ખાતે નવી ડીલક્સ ટૂરિસ્ટ ટ્રેન 'બુદ્ધિસ્ટ સર્કિટ ટૂરિસ્ટ ટ્રેન' નિરીક્ષણ કર્યું હતું. આ ટ્રેન સુધારિત સુવિધાઓવાળી છે. એમાં મિની લાઈબ્રેરી, અદ્યતન સાધનોથી સંપન્ન કીચન, સ્ટાઈલિશ શૌચાલયો છે. આ ટ્રેનમાં 12 ડબ્બા છે. જેમાં ચાર ફર્સ્ટ ક્લાસ એસી, બે સેકન્ડ ક્લાસ એસી, એક કીચન કોચ, બે ડાઈનિંગ કોચ, એક સ્ટાફ કોચ અને બે પાવર કોચ છે. ફર્સ્ટ ક્લાસ એસી ડબ્બામાં વિશાળ કેબિન અને કૂપે છે. એમાં બંને તરફ બાથરૂમ, ગીઝરની વ્યવસ્થા છે. આ ટ્રેન બૌદ્ધધર્મ સાથે સંકળાયેલા તીર્થ સ્થળોની સફર કરાવે છે, જેમ કે, બોધગયા, રાજગીર (નાલંદા), વારાણસી (સારનાથ), લુમ્બિની, કુશીનગર, શ્રાવસ્તી, અને આગરાના તાજમહેલ સાથે સફર પૂરી થશે. ટ્રેન દિલ્હીના સફદરજંગ રેલવે સ્ટેશનેથી તેની સફર શરૂ કરે છે. બિહારનું બોધગયા એનું પહેલું સ્ટોપ છે. આ સ્થળે ભગવાન બુદ્ધને જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી. ત્યારબાદ ટ્રેન નાલંદા થઈને ઉત્તર પ્રદેશના સારનાથ પહોંચશે. આખી ટ્રેનમાં સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે. તદુપરાંત વેરી અર્લી સ્મોક ડીટેક્શન એલાર્મ સિસ્ટમ પણ છે. ટ્રેનને ભારતની વિવિધ લોકસંસ્કૃતિઓ અને મધુબની પેઈન્ટિંગ્સથી સજાવવામાં આવી છે. આ ટ્રેનની ક્ષમતા 156 પ્રવાસીઓની છે. ફર્સ્ટ ક્લાસ એસી કોચમાં સફર કરવા માટેનું ભાડું 165 ડોલર છે.