મને મારી આ ટીમ પર ગર્વ છેઃ કોહલી

વિરાટ કોહલીના નેતૃત્ત્વ હેઠળની ભારતીય ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયામાં ઈતિહાસ સર્જ્યો છે. એણે ઓસ્ટ્રેલિયાને એની જ ધરતી પર ટેસ્ટ સીરિઝમાં પહેલી જ વાર હરાવી છે. સિડનીમાં ચોથી ટેસ્ટ મેચ 7 જાન્યુઆરી, સોમવારે પાંચમા અને છેલ્લા દિવસે વરસાદને કારણે પડતી મૂકી દેવાતા અને ડ્રો જાહેર કરાયા બાદ ભારતે ચાર-મેચોની સીરિઝ 2-1થી જીતી લીધી છે અને બોર્ડર-ગાવસકર ટ્રોફી પોતાની પાસે જાળવી રાખી છે. ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સીરિઝ જીતનાર ભારત પહેલી જ એશિયન ટીમ બની છે અને કોહલીને આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવાનું બહુમાન પ્રાપ્ત થયું છે. ઓસ્ટ્રેલિયાને એની જ ધરતી પર હરાવવામાં ભારતની 71 વર્ષની રાહનો આજે અંત આવ્યો છે. સિડની ટેસ્ટમાં ભારતે પહેલો દાવ 7 વિકેટે 622 રને ડિકલેર કર્યા બાદ ઓસ્ટ્રેલિયાનો પહેલો દાવ 300 રનમાં પૂરો થયો હતો. ફોલોઓન થયા બાદ ઓસ્ટ્રેલિયાએ બીજો દાવ શરૂ કર્યો હતો, પણ 6-0ના સ્કોર પર વરસાદ તૂટી પડ્યો હતો અને તે પછી મેચ આગળ રમી શકાઈ નહોતી. 193 રન કરનાર ચેતેશ્વર પૂજારાને ‘મેન ઓફ ધ મેચ’ અને સમગ્ર સીરિઝમાં 3 સદી સાથે 521 રન કરવા બદલ ‘મેન ઓફ ધ સીરિઝ’ ઘોષિત કરવામાં આવ્યો હતો. ભારતે એડીલેડમાં પહેલી ટેસ્ટ મેચ 31 રનથી જીત્યા બાદ પર્થમાં ઓસ્ટ્રેલિયા 146 રનથી જીત્યું હતું. મેલબોર્ન ટેસ્ટ મેચ ફરી ભારતે જીતી હતી – 137 રનથી. સીરિઝ વિજય બાદ પ્રેઝન્ટેસન સેરેમની વખતે કોહલીએ પોતાના સંબોધનમાં કહ્યું કે મને મારી આ ટીમ પર ગર્વ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]