રોહિતની ડબલ સેન્ચુરી; વન-ડે ક્રિકેટ બાદ ટેસ્ટ ક્રિકેટમાં પણ…

રાંચીમાં સાઉથ આફ્રિકા સામેની ત્રીજી અને શ્રેણીની આખરી ટેસ્ટ મેચમાં 20 ઓક્ટોબર, રવિવારે બીજા દિવસે ભારતના ઓપનર રોહિત શર્મા 212 રન કરીને આઉટ થયો હતો. ટેસ્ટ ક્રિકેટમાં આ તેની પહેલી ડબલ સેન્ચુરી છે. વન-ડે ક્રિકેટમાં એ 3 ડબલ સેન્ચુરી ફટકારી ચૂક્યો છે. આમ બંને ફોર્મેટમાં ડબલ સેન્ચુરી ફટકારનાર એ વિશ્વનો ચોથો અને ભારતનો ત્રીજો બેટ્સમેન બન્યો છે. અન્ય છેઃ સચીન તેંડુલકર, વિરેન્દર સેહવાગ અને ક્રિસ ગેલ. ભારતે તેનો પહેલો દાવ ટી-બ્રેક બાદ 9 વિકેટે 497 રને ડિકલેર કર્યો હતો. અજિંક્ય રહાણેએ 115 અને રવિન્દ્ર જાડેજાએ 51 રન કર્યા હતા. ભારત પહેલી બે ટેસ્ટ મેચ જીતીને સિરીઝ પોતાના કબજામાં લઈ ચૂક્યું છે.