ટેસ્ટ ક્રિકેટમાં ભારતનો નવો સુપરસ્ટારઃ પૃથ્વી શૉ….

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બે-ટેસ્ટ મેચની સીરિઝનો 4 ઓક્ટોબર, ગુરુવારથી રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન મેદાન પર આરંભ થયો છે. ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતી પહેલા બેટિંગ લીધી હતી. પહેલા દિવસને અંતે ભારતે પહેલા દાવમાં 4 વિકેટના ભોગે 364 રન કર્યા હતા. કોહલી 72 અને વિકેટકીપર રિષભ પંત 17 રન સાથે દાવમાં છે. કારકિર્દીની પહેલી જ ટેસ્ટ મેચ રમી રહેલા ઓપનિંગ બેટ્સમેન પૃથ્વી શૉએ શાનદાર સદી ફટકારી છે. 99 બોલમાં 100 રન પૂરા કર્યા બાદ એ 134 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ થયો હતો. એણે કુલ 19 ચોગ્ગા ફટકાર્યા હતા. 18 વર્ષનો પૃથ્વી ટેસ્ટ ક્રિકેટમાં પહેલી જ મેચમાં સદી ફટકારનાર સૌથી નાની વયનો ભારતીય બેટ્સમેન બન્યો છે.