જોહાનિસબર્ગઃ પિચ જોખમી બની જતાં રમત રોકી દેવાઈ…

જોહાનિસબર્ગના ન્યૂ વોન્ડરર્સ મેદાન પર દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચે ત્રીજી અને સિરીઝની આખરી ટેસ્ટ મેચ રમાય છે. 26 જાન્યુઆરી, શુક્રવારે મેચનો ત્રીજો દિવસ હતો, પરંતુ પિચ પર બોલનો અસમાન ઉછાળ આવતો હોવાથી તે બેટ્સમેનો માટે જોખમી બની ગઈ હતી. ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ તે વિશે ફિલ્ડ અમ્પાયરોનું ધ્યાન દોર્યું હતું. ભારતનો બીજો દાવ 247 રનમાં પૂરો થયા બાદ દક્ષિણ આફ્રિકાને મેચ જીતવા 241 રનનો ટાર્ગેટ મળ્યો છે. દક્ષિણ આફ્રિકાએ બીજા દાવમાં 1 વિકેટના ભોગે 17 રન કર્યા હતા ત્યારે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહનો બોલ ડીન એલ્ગરને હેલ્મેટ પર વાગ્યા બાદ અમ્પાયરોએ ગંભીર નોંધ લીધી હતી અને રમત અટકાવીને ખેલાડીઓને મેદાનમાં પાછા ફરવા જણાવ્યું હતું. એલ્ગર (11)ની સાથે હાશીમ અમલા બે રન સાથે દાવમાં હતો. એ પહેલાં ભારતે મુરલી વિજયના 25, પાર્થિવ પટેલના 16, લોકેશ રાહુલના 16, ચેતેશ્વર પૂજારાના 1, કોહલીના 41, અજિંક્ય રહાણેના 48, હાર્દિક પંડ્યાના 4, ભૂવનેશ્વર કુમારના 33, મોહમ્મદ શમીના 27, ઈશાંત શર્માના અણનમ 7 રનની મદદથી 247 રન કર્યા હતા. દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલરો વર્નન ફિલેન્ડર, કેગીસો રબાડા અને મોર્ની મોર્કેલે 3-3 વિકેટ લીધી હતી. ભારત સિરીઝ 0-2થી હારી ચૂક્યું છે.