ત્રીજી વન-ડે ૬-રનથી, સિરીઝ ૨-૧થી જીતી…

વિરાટ કોહલીની આગેવાની હેઠળની ખમતીધર ભારતીય ટીમે 29 ઓક્ટોબર, રવિવારે કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી અને સિરીઝની છેલ્લી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં ન્યૂ ઝીલેન્ડને ૬-રનથી પરાજય આપ્યો હતો અને સિરીઝ ૨-૧થી જીતી લીધી છે. અત્યંત રોમાંચક નિવડેલી મેચમાં ભારતે તેની ૫૦ ઓવરમાં ૬ વિકેટે ૩૩૭ રન કર્યા હતા. ન્યૂ ઝીલેન્ડના બેટ્સમેનોએ જોરદાર વળતી લડત આપી હતી અને ૫૦ ઓવરમાં ૭ વિકેટ ગુમાવીને ૩૩૧ રન કર્યા હતા. ૧૪૭ રન કરનાર રોહિત શર્માને ‘પ્લેયર ઓફ ધ મેચ’ ઘોષિત કરવામાં આવ્યો છે. જ્યારે કારકિર્દીની ૩૨મી સદી ફટકારતા ૧૧૩ રન કરનાર વિરાટ કોહલીને ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’ કરવામાં આવ્યો છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી વન-ડે ક્રિકેટમાં ડબલ સેન્ચુરીની ભાગીદારી ચાર વખત પૂરી કરનાર વિશ્વની પહેલી જોડી બન્યા છે. ભારતીય ટીમે આ લગાતાર ૭મી બાઈલેટરલ (દ્વિપક્ષીય) વન-ડે સિરીઝ જીતી છે. પાકિસ્તાન ૨0૧૧-૧૨ની સાલમાં ૭ સિરીઝ જીત્યું હતું. ઓસ્ટ્રેલિયાએ ૨૦૦૯-૧૦ની સાલમાં ૮ સિરીઝમાં વિજય મેળવ્યો હતો જ્યારે વર્લ્ડ રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝનો છે – ૧૫ સિરીઝ જીતવાનો, જે એણે ૧૯૮૦-૮૮ના સમયગાળામાં જીતી હતી.

આ છે, ભારતની સાત દ્વિપક્ષીય વન-ડે સિરીઝ જીતઃ
ભારતનો ઝિમ્બાબ્વે પ્રવાસ – 3 મેચોની સિરીઝ 2016માં – ભારતે 3-0થી જીતી
ન્યૂ ઝીલેન્ડનો ભારત પ્રવાસ – 5 મેચોની સિરીઝ 2016માં – ભારતે 3-2થી જીતી
ઈંગ્લેન્ડનો ભારત પ્રવાસ – 3 મેચોની સિરીઝ 2017માં – ભારતે 2-1થી જીતી
ભારતનો વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ – 5 મેચોની સિરીઝ 2017માં – ભારતે 3-1થી જીતી
ભારતનો શ્રીલંકા પ્રવાસ – 5 મેચોની સિરીઝ 2017માં – ભારતે 5-0થી જીતી
ઓસ્ટ્રેલિયાનો ભારત પ્રવાસ – 5 મેચોની સિરીઝ 2017માં – ભારતે 4-1થી જીતી
ન્યૂ ઝીલેન્ડનો ભારત પ્રવાસ – 3 મેચોની સિરીઝ 2017માં – ભારતે 2-1થી જીતી.