પુણે વન-ડે મેચ ભારત જીત્યું…

પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે ૨૫ ઓક્ટોબર, બુધવારે રમાયેલી બીજી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં ભારતે ન્યૂ ઝીલેન્ડને ૬-વિકેટથી પરાજય આપ્યો છે. આ સાથે ૩-મેચોની સિરીઝ ૧-૧થી સમાન થઈ છે. ન્યૂ ઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ એની ટીમે ૫૦ ઓવરમાં ૯ વિકેટે ૨૩૦ રન કર્યા હતા. એના જવાબમાં ભારતે ૪૬ ઓવરમાં ૪ વિકેટ ખોઈને ૨૩૨ રન કરીને મેચ જીતી લીધી હતી. શિખર ધવને ૬૮ રન કર્યા હતા, દિનેશ કાર્તિકે ત્યારબાદ ટીમનો ગઢ સંભાળ્યો હતો અને એ ૬૪ રન કરીને નોટઆઉટ રહ્યો હતો. એની સાથે મહેન્દ્ર સિંહ ધોની ૧૮ રન કરીને નોટઆઉટ રહ્યો હતો. કાર્તિકે ૯૨ બોલનો સામનો કર્યો હતો અને ૪ ચોગ્ગા ફટકાર્યા હતા. ધવને ૮૪ બોલના દાવમાં પાંચ ચોગ્ગા, બે છગ્ગા ફટકાર્યા હતા. એ પહેલાં, ન્યૂ ઝીલેન્ડના દાવમાં એનો એકેય બેટ્સમેન ૫૦ના આંકની નજીક પહોંચી શક્યો નહોતો. હાઈએસ્ટ સ્કોર હતો હેન્રી નિકોલ્સનો – ૪૨ રન. કેપ્ટન વિલિયમ્સન માત્ર ૩ રન કરી શક્યો હતો. પહેલી મેચમાં સદી ફટકારનાર વિકેટકીપર ટોમ લેધમ આજે ૩૮ રન કરીને અક્ષર પટેલની બોલિંગમાં ક્લીન બોલ્ડ થયો હતો. ફાસ્ટ બોલર ભૂવનેશ્વર કુમાર ૧૦ ઓવરમાં ૪૫ રનમાં ૩ વિકેટ સાથે ભારતનો બેસ્ટ બોલર રહ્યો હતો. જસપ્રીત બુમરાહ અને યુઝવેન્દ્ર ચહલે વ્યક્તિગત બે વિકેટ લીધી હતો જ્યારે હાર્દિક પંડ્યા અને અક્ષરને ભાગે એક-એક વિકેટ આવી હતી. ત્રણ મેચોની સિરીઝની પહેલી – વાનખેડે મેચ ન્યૂ ઝીલેન્ડ જીત્યું હતું. ત્રીજી અને છેલ્લી મેચ ૨૯મીએ કાનપુરમાં રમાશે.

શિખર ધવન – 68 રન કર્યા

ભૂવનેશ્વર કુમાર – 3 વિકેટ લઈ ભારતનો બેસ્ટ બોલર

જસપ્રીત બુમરાહ – બે વિકેટ ઝડપી

અક્ષર પટેલ – ટોમ લેધમને બોલ્ડ કર્યો

યુઝવેન્દ્ર ચહલ – બે વિકેટ ઝડપી

શિખર ધવન – 68 રન કર્યા

કેપ્ટન વિરાટ કોહલી – 29 રન કર્યા

હાર્દિક પંડ્યા – એક બેટ્સમેનને આઉટ કર્યો