નાગપુર વન-ડેમાં ભારતનો ઓસ્ટ્રેલિયા પર 8-રનથી વિજય…

ભારતીય ક્રિકેટ ટીમે 5 માર્ચ, મંગળવારે નાગપુરમાં વિદર્ભ ક્રિકેટ એસોસિએશન મેદાન પર રમાયેલી બીજી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં ઓસ્ટ્રેલિયાને 8-રનથી પરાજય આપ્યો હતો. પાંચ-મેચોની સીરિઝમાં ભારતે પોતાની સરસાઈ વધારીને 2-0 કરી છે. ત્રીજી મેચ 8 માર્ચે રાંચીમાં રમાશે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન આરોન ફિન્ચે ટોસ જીતીને ભારતને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. ભારતની ટીમ 48.2 ઓવરમાં 250 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. તેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 49.3 ઓવરમાં 242 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. કારકિર્દીની 40મી સદીના રૂપમાં 115 રન કરનાર ભારતના કેપ્ટન વિરાટ કોહલીને મેન ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યો હતો. વિજય શંકરે ઓલરાઉન્ડ દેખાવ કર્યો હતો. એણે 46 રન કર્યા હતા અને બોલિંગમાં મેચની આખરી ઓવરમાં બે વિકેટ પણ ઝડપી હતી.