ભારતે ત્રીજી T20 મેચ સાથે સિરીઝ 2-1થી જીતી…

ભારતીય ક્રિકેટ ટીમે 24 ફેબ્રુઆરી, શનિવારે કેપ ટાઉનમાં રમાઈ ગયેલી ત્રીજી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને 7-રનના માર્જિનથી રોમાંચક ક્ષણોમાં પરાજય આપીને ત્રણ-મેચોની સિરીઝ 2-1થી જીતી લીધી હતી. ટોસ હાર્યા બાદ પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ મળ્યા બાદ ભારતે 20 ઓવરમાં 7 વિકેટે 172 રન કર્યા હતા. તેના જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 20 ઓવરમાં 6 વિકેટે માત્ર 165 રન કરી શકી હતી. બેટિંગમાં 43 રન કરનાર અને બોલિંગમાં એક વિકેટ લેનાર સુરેશ રૈનાને પ્લેયર ઓફ ધ મેચ અને ફાસ્ટ બોલર ભૂવનેશ્વર કુમારને પ્લેયર ઓફ ધ સિરીઝ ઘોષિત કરવામાં આવ્યો છે. ગઈ કાલની મેચમાં ભૂવનેશ્વર કુમારે 4 ઓવરમાં 24 રનમાં બે વિકેટ લીધી હતી. મેચની છેલ્લી ઓવરના છેલ્લા બોલે એણે ક્રિસ્ટીઆન જોન્કર (49)ને આઉટ કર્યો હતો. ગઈ કાલની મેચમાં વિરાટ કોહલી પીઠના દુખાવાને કારણે રમી શક્યો નહોતો, એની જગ્યાએ રોહિત શર્માએ ટીમનું સુકાન સંભાળ્યું હતું. કોહલીને મેચ પૂરી થયા બાદ આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપ મેસ (ગદા) સુપરત કરવામાં આવી હતી.