કોહલીની સદીથી ભારતે સિરીઝ સિક્યોર્ડ કરી…

ભારતીય ક્રિકેટ ટીમે 7 ફેબ્રુઆરી, બુધવારે કેપ ટાઉનના ન્યૂલેન્ડ્સ સ્ટેડિયમ ખાતે ત્રીજી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને 124 રનથી કારમો પરાજય આપ્યો અને છ-મેચોની સિરીઝમાં 3-0થી અજેય સરસાઈ મેળવી લીધી છે. આમ, વિરાટ કોહલીના નેતૃત્વવાળી ભારતીય ટીમ આ સિરીઝમાં હવે હારી શકે એમ નથી. માત્ર એક જ મેચ જીતે તો સિરીઝ પર કબજો મેળવી શકશે. ત્રીજી મેચમાં ભારતની જીતનો મુખ્ય શ્રેય કોહલીના અણનમ 160 રનને જાય છે, જે તેની કારકિર્દીની 34મી સદી છે. ટોસ હાર્યા બાદ પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ મળતાં ભારતે તેના હિસ્સાની 50 ઓવરમાં 6 વિકેટે 303 રન કર્યા હતા. તેના જવાબમાં, દક્ષિણ આફ્રિકાની ટીમ 40 ઓવરમાં માત્ર 179 રન જ કરી શકી હતી. ભારતના બે સ્પિનર – કુલદીપ યાદવ અને યૂઝવેન્દ્ર ચહલે વ્યક્તિગત 4-4 વિકેટ મેળવી હતી. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે બે બેટ્સમેનને આઉટ કર્યા હતા. કોહલીને મેન ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યો હતો. સિરીઝની ચોથી મેચ 10 ફેબ્રુઆરીએ જોહાનિસબર્ગમાં રમાશે.