કોહલીના 94*; ભારતે પહેલી T20Iમાં WIને હરાવ્યું…

વિરાટ કોહલીના કેપ્ટન ઈનિંગ્ઝ સમાન અણનમ 94 રનના જોરે ભારતે 6 ડિસેંબર, શુક્રવારે હૈદરાબાદમાં રાજીવ ગાંધી સ્ટેડિયમ ખાતે વેસ્ટ ઈન્ડિઝને 6-વિકેટથી પરાજય આપ્યો હતો. 3-મેચની સિરીઝમાં ભારત 1-0થી આગળ થયું છે. બીજી મેચ 8 ડિસેંબરે તિરુવનંતપુરમ અને ત્રીજી મેચ 11 ડિસેંબરે મુંબઈમાં રમાશે.


કોહલીએ ટોસ જીતીને વેસ્ટ ઈન્ડિઝને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. પ્રવાસી ટીમે શિમરોન હેટમેયર 56 (41), ઈવીન લૂઈસ 40 (17), કેપ્ટન કાયરન પોલાર્ડ 37 (19)ના યોગદાનની મદદથી 20 ઓવરમાં પાંચ વિકેટે 207 રન કર્યા. તેના જવાબમાં ભારતે 18.4 ઓવરમાં 4 વિકેટના ભોગે 209 રન કરીને મેચ જીતી લીધી હતી.


કોહલીએ સિક્સર ફટકારીને મેચનો અંત લાવી દીધો હતો. એણે 50 બોલના દાવમાં 6 ચોગ્ગા અને છ છગ્ગા ફટકાર્યા હતા. લોકેશ રાહુલે 62, વિકેટકીપર રીષભ પંતે 18, રોહિત શર્માએ 8 રન કર્યા હતા.


વેસ્ટ ઈન્ડિઝના દાવમાં, લેગસ્પિનર યુઝવેન્દ્ર ચહલે સૌથી વધુ, બે વિકેટ લીધી હતી. વોશિંગ્ટન સુંદર, દીપક ચાહર, રવિન્દ્ર જાડેજાએ 1-1 વિકેટ લીધી હતી.


[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]