હિમા દાસ બની ‘યુનિસેફ ઈન્ડિયા’ની યુથ એમ્બેસેડર…

એશિયન ગેમ્સની ગોલ્ડ મેડલ વિજેતા રનર હિમા દાસને યુનાઈટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ (UNICEF) યુનિસેફ ઈન્ડિયા સંસ્થાની પ્રથમ ‘યુથ એમ્બેસેડર’ તરીકે નિયુક્ત કરવામાં આવી છે. 14 નવેમ્બર, બુધવારે નવી દિલ્હીમાં આયોજિત કાર્યક્રમમાં યુનિસેફ ઈન્ડિયા સંસ્થા દ્વારા એને સમ્માનિત કરવામાં આવી હતી. યુનિસેફ ઈન્ડિયા સંસ્થા ભારતમાં બાળકોનાં સર્વગ્રાહી વિકાસ માટેની યોજનાઓમાં સહાયરૂપ થવા કેન્દ્ર સરકાર સાથે મળીને કામ કરે છે. આસામની વતની હિમા દાસે 2018ની એશિયન ગેમ્સમાં મહિલાઓની 4×400 મીટર રીલે રેસમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. એણે મહિલાઓની 400 મીટરની રેસમાં 50.59 સેકંડના સમય સાથે રજત ચંદ્રક પણ જીત્યો હતો. હિમાએ આ પ્રસંગે કહ્યું કે પોતાને UNICEF ઈન્ડિયાની યુથ એમ્બેસેડર તરીકે પસંદ કરવામાં આવી એ બદલ ગૌરવ અનુભવે છે અને ભારતમાં બાળકોને એમનાં જીવનનાં સપનાં સાકાર કરાવવામાં પોતે પ્રેરણા બની શકશે એવી એને આશા છે.