18મી એશિયન ગેમ્સની પૂર્ણાહુતિ…

ઈન્ડોનેશિયાના જકાર્તા અને પાલેમબંગ શહેરોમાં સાથે યોજવામાં આવેલી 18મી એશિયન ગેમ્સનું 2 સપ્ટેંબર, રવિવારે જકાર્તાના ગેલોરા બંગ કાર્નો સ્ટેડિયમ ખાતે ભવ્ય, મનોરંજક, રંગારંગ કાર્યક્રમ સાથે સમાપન કરવામાં આવ્યું. બે સપ્તાહ સુધી ચાલેલા આ રમતોત્સવમાં એશિયાના 45 દેશોનાં 17 હજારથી વધુ એથ્લીટ્સે 40 રમતોમાં ભાગ લીધો હતો. આ વખતની ગેમ્સમાં ભારત કુલ 15 સુવર્ણ, 24 રજત, 30 કાંસ્ય સહિત કુલ 69 મેડલ્સ સાથે 8મા ક્રમે રહ્યું. ચીન 132 સુવર્ણ, 92 રજત 65 કાંસ્ય સહિત કુલ 289 મેડલ્સ સાથે પહેલા સ્થાને રહ્યું. બીજા સ્થાને જાપાન (75, 56, 74, 205), દક્ષિણ કોરિયા ત્રીજા સ્થાને (49, 58, 70, 177) રહ્યું. યજમાન ઈન્ડોનેશિયા 31 ગોલ્ડ, 24 સિલ્વર, 43 બ્રોન્ઝ અને કુલ 98 મેડલ્સ સાથે ચોથા ક્રમે રહ્યું. તે પછીના ક્રમે આવે છે – ઉઝબેકિસ્તાન (21, 24, 25, 70), ઈરાન (20, 20, 22, 62), ચાઈનીઝ તાઈપેઈ (17, 19, 31, 67), ભારત (15, 24, 30, 69), કઝાખસ્તાન 15, 17, 44, 76) અને ઉત્તર કોરિયા (12, 12, 13, 37). ભારતે ઈન્ડોનેશિયા એશિયાડ માટે 541 એથ્લીટ્સનો સંઘ મોકલ્યો હતો જેમાં 297 પુરુષ અને 244 મહિલા ખેલાડીઓનો સમાવેશ થાય છે. ભારતીય એથ્લીટ્સે 36 રમતોમાં ભાગ લીધો હતો. ભારત એશિયાડનો સ્થાપક દેશ છે. પહેલી એશિયન ગેમ્સ 1951માં નવી દિલ્હીમાં યોજવામાં આવી હતી. એશિયન ગેમ્સ દર ચાર વર્ષે યોજાય છે. 2022ની એશિયન ગેમ્સ ચીનના હેંગ્ઝૂ શહેરમાં સપ્ટેંબર 10-25 દરમિયાન યોજાશે.