ભારતે બીજી ODIમાં વિન્ડીઝને હરાવ્યું, કોહલી ‘પ્લેયર ઓફ ધ મેચ’…

કેપ્ટન વિરાટ કોહલીએ તેની કારકિર્દીની 42મી સદી રૂપે 120 રન ફટકારતાં ભારતે 11 ઓગસ્ટ, રવિવારે ટ્રિનિડાડના પોર્ટ ઓફ સ્પેનમાં વરસાદના વિઘ્નવાળી બીજી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને ડકવર્થ-લૂઈસ મેથડ અનુસાર લવાયેલા પરિણામમાં 59-રનથી પરાજય આપ્યો હતો. 3-મેચોની સીરિઝમાં આ સાથે ભારત 1-0થી આગળ થયું છે. બીજી મેચ વરસાદને કારણે પરિણામવિહોણી રહી હતી. ત્રીજી અને સીરિઝની આખરી વન-ડે મેચ આવતા બુધવારે આ જ મેદાન પર રમાશે. કોહલીએ ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી હતી. ભારતે તેના હિસ્સાની 50 ઓવરમાં 7 વિકેટના ભોગે 279 રન કર્યા હતા. કોહલીએ કેરેબિયન બોલરોની ધુલાઈ કરીને 120 રન ઝૂડી કાઢ્યા હતા. એણે પોતાની સદી 112 બોલમાં પૂરી કરી હતી જેમાં 10 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ હતો. કોહલીને મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ ઐયર (71)નો ટેકો મળ્યો હતો બંનેએ ચોથી વિકેટ માટે 125 રનની ભાગીદારી કરી હતી. 280ના ટાર્ગેટને ચેઝ કરવાની શરૂઆત કરનાર વેસ્ટ ઈન્ડિઝના દાવ દરમિયાન 12.5 ઓવર ફેંકાઈ હતી ત્યારે વરસાદ પડ્યો હતો અને ડી/એલ મેથડ અનુસાર યજમાન ટીમને 46 ઓવરમાં 270 રનનો નવો ટાર્ગેટ અપાયો હતો. પરંતુ વિન્ડીઝ ટીમ 42 ઓવરમાં 210 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.


[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]