પી.વી. સિંધુએ ઈતિહાસ રચ્યો; વિશ્વવિજેતા બની…

સ્વિટ્ઝરલેન્ડના બાઝલમાં વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં 25 ઓગસ્ટ, રવિવારે રમાયેલી મહિલાઓની સિંગલ્સનો ગોલ્ડ મેડલ જીતવામાં ભારતની પી.વી. સિંધુ સફળ થઈ હતી. એણે એકતરફી બનેલી ફાઈનલમાં મેચમાં જાપાનની નોઝોમી ઓકુહારાને 21-7, 21-7થી પરાજય આપ્યો હતો. સિંધુ આ સતત ત્રીજી વાર વિશ્વ સ્પર્ધાની ફાઈનલમાં પહોંચી હતી, પણ આ પહેલાંની બે ફાઈનલમાં હારી જતાં એને રજત ચંદ્રકથી સંતોષ માનવો પડ્યો હતો, પરંતુ આજે એણે સમગ્ર મેચમાં શરૂઆતથી જ ઓકુહારા પર વર્ચસ્વ જમાવ્યું હતું. આ સિદ્ધિ હાંસલ કરનાર સિંધુ પહેલી જ ભારતીય ખેલાડી બની છે. સિંધુએ 2013માં આ સ્પર્ધામાં કાંસ્ય, 2014માં પણ કાંસ્ય, 2017માં રજત અને 2018માં પણ રજત ચંદ્રક જીત્યો હતો.