આંતરરાષ્ટ્રીય કુસ્તીબાજ બબિતા ફોગાટ ભાજપમાં જોડાઈ…

વિશ્વસ્તરે મહિલા કુસ્તીની રમતમાં અનેક સિદ્ધિઓ હાંસલ કરીને ભારતનું નામ રોશન કરનાર હરિયાણાનિવાસી બબિતા ફોગાટ તેનાં પિતા મહાવીર સિંહ ફોગાટની સાથે 12 ઓગસ્ટ, સોમવારે નવી દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના મુખ્યાલય ખાતે પક્ષમાં સામેલ થઈ હતી. એમણે કેન્દ્રીય સ્પોર્ટ્સ પ્રધાન કિરન રિજીજુના હસ્તે અને ભાજપના કાર્યકારી પ્રમુખ જે.પી. નડ્ડાની હાજરીમાં પક્ષનું સભ્યપદ હાંસલ કર્યું હતું.


બાદમાં બબિતાએ એનાં ટ્વિટર એકાઉન્ટ પર એનાં સભ્યપદનો નંબર દર્શાવતું કાર્ડ શેર કર્યું હતું. એની સાથે એણે લખ્યું છે કે હું રાજકારણમાં નવી શરૂઆત કરી રહી છું. મારી આપ સહુને વિનંતી છે કે તમે પણ ભાજપમાં જોડાઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરો.


29 વર્ષીય બબિતા કોમનવેલ્થ ગેમ્સની ગોલ્ડ મેડલ વિજેતા છે. તે બીજી અનેક આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં પણ મેડલ જીતી ચૂકી છે.


બબિતા ફોગાટ અર્જૂન એવોર્ડવિજેતા પણ છે.




મહાવીર ફોગાટ દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતા છે. એ પોતે કુસ્તીનાં પ્રશિક્ષક રહી ચૂક્યા છે. એમણે તેમની ચાર પુત્રીઓને કુસ્તીબાજી શીખવી હતી અને એમણે આંતરરાષ્ટ્રીય સ્તરે મેળવેલી સિદ્ધિઓ પરથી જ હિન્દી ફિલ્મ 'દંગલ' બનાવવામાં આવી હતી.