પ્રજાએ બ્રિજ ખુલ્લો મૂક્યો, તંત્રે પાછો બંધ કર્યો

અમદાવાદઃ શહેરના કેટલાક વિસ્તારનો વિકાસ ઝડપભેર થયો છે. એમાં રાણીપ, ચાંદલોડિયા, ચેનપુરને અડીને આવેલા ન્યુ રાણીપ વિસ્તારનો સમાવેશ થાય છે. ન્યૂ રાણીપનો વિકાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. અહીં રહેતા લોકોની એક વિકટ સમસ્યા છે જી.એસ.ટી ક્રોસિંગ. છેલ્લા પાંચ વર્ષ કરતાં વધારે સમયથી તૈયાર થતો આ વિસ્તારનો ઓવરબ્રિજ સૌ માટે ચર્ચાનો વિષય બનેલો હતો તેમાં આજે વધુ ગહેરાઇ ગયો છે. કાલે કેટલાક લોકોએ બ્રિજ ખુલ્લો મૂકી દીધો હતો તેને વહીવટીતંત્રએ વળી પાછો આડશો ગોઠવી બંધ કરી દીધો છે.

આ વિસ્તારમાં ક્રોસિંગ પાસે ટ્રાફિક જામના દ્રશ્યો એક સામાન્ય ઘટના થઇ ગઇ છે. સૌથી વ્યસ્ત રેલ્વે લાઇન પર બની રહેલાં આ ઓવરબ્રિજને મંજૂરી મળ્યાં બાદ રાજકીય હુંસાતુંસી અને સરકારી પરવાનગી તેમ જ જુદી જુદી સમસ્યાના કારણે થયેલા ઘોર વિલંબથી સ્થાનિક પ્રજા ત્રાહિમામ પોકારી ગઇ છે. બ્રિજ બની ગયા પછી પણ નાના અમથાં કામ માટે થઇ રહેલા વિલંબથી ઉશ્કેરાયેલી પ્રજાએ ગઇ કાલે જાતે જ ઉદઘાટન કરી નાંખ્યું. પરંતુ આજે વહેલી સવારે ફરી પાછાં તંત્ર દ્વારા જુદા જુદા બેરીકેડ અને આડશ મુકી બ્રિજને બંધ કરી દેવાયો છે. બ્રિજ પર કામ કરતા લોકોના કહેવા મુજબ હજુય સપ્તાહ જેટલી કામગીરી બાકી છે. પટ્ટા તેમ જ ટચિંગનું કામ કર્યા બાદ જ આ બ્રિજ ખુલ્લો મુકી શકાય એમ છે. પાંચ-છ વર્ષના લાંબા સમયથી ચાલતી ધીમી કામગીરી અને વધતા જતાં વાહન વ્યવહાર, અતિશય ગરમીથી ત્રસ્ત પ્રજા હાલ તાત્કાલિક બ્રિજ ખુલ્લો મુકાય એમ ઇચ્છી રહી છે.

અહેવાલ-તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]