વિક્રમ લેન્ડર સાથે સંપર્ક તૂટતાં ચંદ્રયાન-2 મિશન અપૂર્ણ…

ચંદ્રની ધરતીના અભ્યાસ માટે ભારતે મોકલેલા ચંદ્રયાન-2 અવકાશયાન પરનું વિક્રમ લેન્ડર 7 સપ્ટેંબર, શનિવારે વહેલી સવારે દોઢ અને અઢી વાગ્યા વચ્ચેની આસપાસ ચંદ્રની ધરતીની ખૂબ નજીક - 2.1 કિ.મી. નજીક પહોંચી જવા ગયા બાદ અચાનક તેનો સંપર્ક બેંગલુરુ સ્થિત ઈસરો અવકાશ સંશોધન સંસ્થાના વિજ્ઞાનીઓ સાથે તૂટી જતાં નિરાશા વ્યાપી ગઈ હતી. વિજ્ઞાનીઓ ડેટાનું વિશ્લેષણ કરી રહ્યાં છે. ચંદ્રયાન-2 પરનું ઓર્બિટર હજી પણ ઈસરોનાં કન્ટ્રોલ રૂમ સાથે જોડાયેલું છે એટલે આશા યથાવત્ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારતની ઐતિહાસિક વૈજ્ઞાનિક સિદ્ધિ નિહાળવા માટે ઈસરોનાં કેન્દ્ર ખાતે ગઈ કાલ રાતથી જ હાજર હતાં. વિક્રમ લેન્ડર સાથેનો સંપર્ક તૂટી ગયા બાદ એમણે નિરાશ થયેલા વિજ્ઞાનીઓને હિંમત આપી હતી અને કહ્યું કે તમારી મહેનત પર સમગ્ર દેશને ગર્વ છે, આપણા પ્રયાસો ચાલુ રહેશે અને દેશને ફરી આનંદના સમાચાર મળશે એવી આશા છે.






વડા પ્રધાને ઈસરોનાં વિજ્ઞાનીઓની મહેનતની પ્રશંસા કરી હતી અને કહ્યું કે જીવનમાં ચડતી-પડતી આવ્યા કરે. આપણને ચંદ્ર પર આપણું અવકાશયાન ઉતારવાનો ફરી મોકો મળશે.