સોમનાથમાં 9માં વર્ષે પણ એક મંડળે કરી સ્વચ્છતા ઝૂંબેશ

સોમનાથઃ અમદાવાદના બાપા સીતારામ સેવામંડળના સભ્યો દ્વારા સતત 9માં વર્ષે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં સ્વચ્છતા ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી. 350 જેટલા સ્વયંસેવકો મંડળના પ્રમુખ હરેશભાઇ સોનીએ સૂચિત કરેલી ટીમો પ્રમાણે સોમનાથ મંદિર પરિસર, ભાલકા તીર્થ, ભીડીયા તીર્થ, પ્રાચીતીર્થ, ગોલોકધામ, ત્રિવેણી સંગમ, શ્રીરામ મંદિર, સ્મશાન, ગૌશાળા, પાર્કિંગ, હમીરજી સર્કલ, વેગળાજી સર્કલ, સહિતના સ્થળોએ  સાફસફાઇ કરી આ સ્થળો  સ્વચ્છ કર્યા હતા. તેમજ આવનાર યાત્રિકોને ખુલ્લામાં કચરો ન ફેકીતીર્થ સ્વચ્છ રાખવા આવાહન કર્યું હતું. આ વખતે 200 જેટલી બહેનો આ સેવાયજ્ઞમાં  જોડાઈ હતી. આ મંડળ સફાઇના તમામ સાધનો સાથે લાવેલ જેમાં સાવરણા-સાવરણી,  વાઇપર-પોતા, લીક્વીડ સહિત તમામ સંસાધનો સાથે લાવે છે. આ વર્ષે માતા-પિતાની સેવાથી પ્રેરાઇ 5 થી 11 વર્ષ સુધીના બાળકો ઉત્સાહભેર આ સેવાયજ્ઞમાં જોડાયા હતા, સૂરત-અમદાવાદના વેપારીઓ– ડોક્ટરો-એન્જીનિયરો-સીએ-ઉદ્યોગપતિઓ જેઓના ઘેર નોકરો કામ કરે છે તેવા લોકોએ શ્રમયજ્ઞ કરી અનોખી શિવભક્તિનુ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું. આ પ્રસંગે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી સેક્રેટરી પ્રવીણભાઇ લહેરીએ આ મંડળના સભ્યોને શુભેચ્છાઓ પાઠવી હતી.