મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટઃ પ્રથમ તબક્કાનું ઠાકરે દ્વારા ભૂમિપૂજન

મુંબઈના મહત્ત્વાકાંક્ષી એવા કોસ્ટલ રોડ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું 16 ડિસેંબર, રવિવારે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે દ્વારા ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દક્ષિણ મુંબઈના બ્રિચકેન્ડી વિસ્તારમાં અમરસન્સ ગાર્ડન ખાતે યોજવામાં આવ્યો હતો. મુંબઈ મહાનગરપાલિકા પ્રેરિત કોસ્ટલ રોડ પ્રોજેક્ટ 29.2 કિલોમીટર લાંબો હશે. એ મરીન લાઈન્સના પ્રિન્સેસ સ્ટ્રીટ ફ્લાયઓવરથી કાંદિવલી સુધીનો હશે. પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં, પ્રિન્સેસ સ્ટ્રીટ ફ્લાયઓવરને વરલી સી ફેસ વિસ્તારને જોડતો 9.98 કિ.મી. લાંબો કોસ્ટલ રોડ બનાવાશે. કોસ્ટલ રોડ પ્રોજેક્ટ માટે રૂ. 12000 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. કોસ્ટલ રોડ આઠ-લેનવાળો હશે. એ માટે દરિયાની અંદર ટનલ બાંધવા માટે દરિયામાં ભરણી કરવામાં આવશે. પહેલો તબક્કો ચાર વર્ષમાં પૂરો કરવાની વહીવટીતંત્રની નેમ છે. આ સમગ્ર પ્રોજેક્ટ થઈ ગયા બાદ મુંબઈમાં પરિવહન સિસ્ટમમાં તેજી આવશે. ભૂમિપૂજન કાર્યક્રમમાં ઉદ્ધવ ઠાકરેના પત્ની રશ્મી ઠાકરે, પુત્ર આદિત્ય ઠાકરે, મુંબઈના મેયર વિશ્વનાથ મહાડેશ્વર તથા અન્ય નેતાઓ, મહાપાલિકાનાં વરિષ્ઠ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસને આમંત્રણ આપવામાં આવ્યું ન હોવાથી ભાજપે કાર્યક્રમનો બહિષ્કાર કર્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]