ખ્યાતનામ તબીબો ભાજપમાં જોડાયાં…

ગાંધીનગરઃ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીની ઉપસ્થિતિમાં ભાજપ પ્રદેશ કાર્યાલય ‘‘કમલમ્’’ ખાતે ગુજરાતના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતનામ તબીબો ભાજપામાં જોડાયા હતા. આ પ્રસંગે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ ઉપસ્થિત સૌ તબીબોને ભાજપાનો ખેસ પહેરાવી ઉત્સાહભેર આવકાર્યા હતા. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે દેશભરમાં અને ગુજરાતમાં ભાજપા સંગઠન પર્વ અને સદસ્યતા વૃધ્ધિ ઝુંબેશ સકારાત્મક રીતે આગળ વધી રહી છે. અને વિવિધ ક્ષેત્રના લોકો ‘‘રાષ્ટ્રપ્રથમ’’ની ભાવના સાથે કાર્યરત ભાજપામાં રાષ્ટ્રહિતને સર્વોપરી માનનારા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતભાઇ શાહ તથા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જે.પી.નડ્ડાના નેતૃત્વથી પ્રેરાઇને જોડાઇ રહ્યા છે. જેના હૈયે દેશહિત સર્વોપરી છે, તેવા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર આવનારી પેઢીના કલ્યાણ માટે, દેશની સુરક્ષા, એકતા અને અખંડિતતા મજબૂત કરવા શ્રેણીબધ્ધ મહત્વના નિર્ણયો લઇ રહી છે. આજે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા ‘‘હમ દિન ચાર રહે ન રહે, તેરા વૈભવ અમર રહે માં’’ની વિચારધારાને પ્રાથમિકતા આપી વૈશ્વિક ફલક પર દેશનું ગૌરવ વધે તે દિશામાં પગલાઓ લેવાઇ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સમગ્ર વિશ્વને અનુભૂતિ કરાવી છે કે ભારત અને ભારતવાસીઓમાં તકો અને કૌશલ્યોનો ભંડાર રહેલો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]