ઝારખંડમાં સત્તાપલટો; ભાજપનું રાજ ગયું, મહાગઠબંધનનું આવ્યું…

81-સભ્યોની ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં 23 ડિસેંબર, સોમવારે જાહેર કરાયેલા પરિણામમાં ભારતીય જનતા પાર્ટીનો પરાજય થયો છે. એણે સત્તા ગુમાવી છે અને ઝારખંડ મુક્તિ મોરચા, કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળના બનેલા મહાગઠબંધને સંયુક્ત રીતે 47 બેઠકો જીતીને સત્તા હાંસલ કરી છે. સત્તા મેળવવા માટે કોઈ પણ પક્ષ કે પક્ષોના ગઠબંધનને 41 સીટ જોઈએ. ભાજપને ફાળે 25 સીટ આવી છે. એને 2014ની ચૂંટણીની સરખામણીમાં 12 સીટનું નુકસાન ગયું છે, જ્યારે મહાગઠબંધનને 22 સીટનો ફાયદો થયો છે. જેવીએમ પાર્ટીને 3, એજેએસયૂને 2, અન્યોને ફાળે 4 સીટ આવી છે.




રાંચી શહેરમાં જેએમએમ અને કોંગ્રેસ પાર્ટીઓનાં કાર્યકર્તાઓ ફટાકડા ફોડીને ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં જીત મળ્યાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે




હેમંત સોરેન એમના પિતા શિબૂ સોરેન સાથે


ઝારખંડમાં જેએમએમ પાર્ટીના વડા હેમંત સોરેન મુખ્ય પ્રધાન બનશે. એમને મહાગઠબંધને પહેલેથી જ મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા હતા.


ભાજપના મુખ્ય પ્રધાન રઘુબર દાસે સાંજે પાટનગર રાંચીમાં રાજ્યના રાજ્યપાલ દ્રૌપદી મૂર્મુને પોતાનું રાજીનામું સુપરત કરી દીધું હતું.