સાત-ચરણવાળી લોકસભા ચૂંટણીના સાતમા અને આખરી રાઉન્ડનું મતદાન 19 મે, રવિવારે યોજાયું. 7 રાજ્યો અને ચંડીગઢ કેન્દ્રશાસિત પ્રદેશની કુલ 59 બેઠકો માટે મતદાન થયું હતું. વારાણસીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત 918 ઉમેદવારોનું ચૂંટણી ભાવિ ઈવીએમમાં કેદ થયું છે. કેન્દ્રીય પ્રધાનો રવિશંકર પ્રસાદ, જે.પી. નડ્ડા, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજી, બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમાર, શત્રુઘ્ન સિન્હા, નવજોત સિંહ સિધુ, પીએમ મોદી સામે ચૂંટણી લડી રહેલા અજય રાય (કોંગ્રેસ) સહિત અનેક જાણીતી હસ્તીઓએ મતદાન કર્યું હતું. મતગણતરી 23 મેએ હાથ ધરાશે અને એ જ દિવસે પરિણામની જાહેરાત થશે.