અનંત કુમારના રાજકીય સમ્માન સાથે અંતિમસંસ્કાર…

કેન્દ્રીય રસાયણ અને ફર્ટિલાઈઝર તથા સંસદીય બાબતોના પ્રધાન અનંત કુમારના 13 નવેમ્બર, મંગળવારે બેંગલુરુ શહેરમાં સંપૂર્ણ રાજકીય અને લશ્કરી સમ્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અંતિમ સંસ્કાર વખતે ભાજપના પ્રમુખ અમિત શાહ, પાર્ટીના વરિષ્ઠ નેતા એલ.કે. અડવાણી, કેન્દ્રીય પ્રધાનમંડળના સભ્યો પણ હાજર રહ્યાં હતાં. 59 વર્ષીય અનંત કુમારનું સોમવારે બેંગલુરુની એક ખાનગી હોસ્પિટલમાં નિધન થયું હતું. એમને કેન્સર હતું. ન્યુ યોર્કની હોસ્પિટલમાં સારવાર લઈને એ પરત ફર્યા હતા. અનંત કુમારના પાર્થિવ શરીરને તિરંગામાં વીંટીને કાચની પેટીમાં રાખવામાં આવ્યો હતો. એ વખતે એમને 21 બંદૂકોની સલામી આપવામાં આવી હતી. અંતિમ સંસ્કાર વખતે એમના સમ્માનમાં બેન્ડ વગાડવામાં આવ્યું હતું. અનંત કુમારના નાના ભાઈ નંદકુમારે મુખાગ્નિ આપ્યો હતો. અનંત કુમારના પરિવારમાં એમના પત્ની ડો. તેજસ્વિની અને બે પુત્રી – ઐશ્વર્યા અને વિજેતા છે.

અનંત કુમારે અમેરિકાના ન્યુ યોર્કમાં મેમોરિયલ સ્લોઆન કીટરિંગ કેન્સર સેન્ટર ખાતે ગઈ 22 સપ્ટેંબરે એમનો 59મો જન્મદિવસ ઉજવ્યો હતો તે વેળાની તસવીર.