રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ…

ભૂતપૂર્વ વડા પ્રધાન ‘ભારત રત્ન’ રાજીવ ગાંધીને 27મી પુણ્યતિથિ નિમિત્તે 21 મે, સોમવારે નવી દિલ્હીમાં એમના સ્મારક સ્થળ વીર ભૂમિ ખાતે એમના પત્ની સોનિયા ગાંધી, એમના પરિવારજનો – પુત્ર રાહુલ ગાંધી, પુત્રી પ્રિયંકા ગાંધી-વાડ્રા અને જમાઈ રોબર્ટ વાડ્રા, ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ તથા કોંગ્રેસી નેતાઓએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ગાંધી પરિવારજનો ત્યારબાદ સ્મારક ખાતે યોજવામાં આવેલી સર્વધર્મ પ્રાર્થના સભામાં બેઠાં હતાં. રાજીવ ગાંધીનું 1991ની 21 મેએ તામિલ નાડુના શ્રીપેરુમ્બુદુર ખાતે એક ત્રાસવાદી આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં મૃત્યુ થયું હતું. તેઓ એ વખતે એક ચૂંટણી સભાને સંબોધિત કર્યા બાદ રવાના થવાની તૈયારીમાં હતા ત્યારે બોમ્બ વિસ્ફોટ થયો હતો. એ હુમલો શ્રીલંકા સ્થિત તામિલ સંગઠન એલટીટીઈ દ્વારા કરાવવામાં આવ્યો હતો. રાજીવ ગાંધી 31 ઓક્ટોબર, 1984થી 2 ડિસેમ્બર 1989 સુધી વડા પ્રધાન પદે રહ્યા હતા. એ ભારતના છઠ્ઠા વડા પ્રધાન બન્યા હતા. એ વખતે એમની વય 40 વર્ષ હતી.