રાજ્યપાલ ઓ.પી.કોહલીને ભાવભર્યું વિદાયમાન…

ગુજરાતના રાજ્યપાલપદે કાર્યકાળ પૂર્ણ કરી વિદાય લઈ રહેલા રાજયપાલ ઓ.પી.કોહલીને રાજ્ય સરકાર તરફથી અમદાવાદમાં ભાવભર્યું સ્નેહવિદાય માન.મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં આપવામાં આવ્યુ હતું.

 

રાજ્યપાલને મુખ્યપ્રધાને સ્મૃતિભેટ અને શાલ પ્રદાન કરી સન્માનિત કર્યાં હતા. મુખ્યપ્રધાને આ પ્રસંગે રાજયપાલનું તેમના કાર્યકાળ દરમિયાન રાજ્ય સરકારનું વિવિધ સ્તરે તેમજ યોજનાઓમાં સતત પ્રેરણા-માર્ગદર્શન મળતું રહ્યું તે માટે હ્રદયપૂર્વકનો આભાર વ્યક્ત કર્યો હતો.

તેમણે રાજ્યપાલ સાથે પોતાના રાજ્યસભાના સહયોગી સાંસદ તેમજ છાત્રકાળના સંસ્મરણો વાગોળ્યા હતા. રાજયપાલ એક સાચા પ્રશાસક-સંવેદનશીલ શાસકભાવથી સૌનું પ્રેરણા-માર્ગદર્શન કરીને બંધારણીયવડા તરીકેની ગરીમા ઉજાળી છે.

રાજ્યપાલ એ સન્માન પ્રત્યુતરમાં ભાવવાહી થતાં કહ્યું કે, ગુજરાત અને ગુજરાતીઓની સહજતા, સૌ સાથે મળી પરસ્પર સહયોગ-સહકાર તેમજ વૈષ્ણવજનની નિ:સ્પૃહ ભાવનાથી વિકાસમાં સદાય અગ્રેસર રહેવાની ભાવના વિશ્વમાં ગુજરાતીને ઝળકાવે છે. કોહલીએ રાજ્ય પ્રધાનમંડળ, વિપક્ષ, ન્યાયપાલિકા તેમજ રાજય સરકારના વિભાગોના વડાઓ સૌનો પોતાને મળેલા સહયોગ અંગેનો ઋણસ્વીકાર કર્યો હતો.

રાજ્યપાલે પોતાના કાર્યકાળ દરમિયાન રાજ્યના બહુધા જિલ્લાઓની મુલાકાત લઈ સામાન્યજન સાથે પણ આત્મીયતાનો નાતો પ્રસ્થાપિત કર્યો છે તેમ તેમણે ઉમેર્યું હતું.

લેડી ગવર્નર અવિનાશકૌર કોહલીનું શ્રીમતી અંજલિબહેન રૂપાણીએ સન્માન કર્યું હતું. મુખ્યપ્રધાને રાજયપાલને વડનગરનું તોરણ અને સરદાર સાહેબની પ્રતિમા ભેટ કરી હતી.

વિપક્ષના નેતા પરેશભાઈ ધાનાણીએ પણ રાજ્યપાલને સ્મૃતિ ભેટ અર્પણ કરી હતી. આ વેળાએ રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો-અધિકારીઓ જોડાયા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]