સીએમ રુપાણીએ શરુ કર્યો શહેરી શાળા પ્રવેશોત્સવ

ગાંધીનગર-મુખ્યપ્રધાન વિજય રુપાણીએ શહેરી ક્ષેત્રના દ્વિદિવસીય શાળા પ્રવેશોત્સવનો ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો હતો. તેમણે જણાવ્યું કે, રાજ્યનું શાળાએ જવા પાત્ર એક પણ બાળક શાળા અભ્યાસ-શાળા પ્રવેશથી વંચિત ન રહે તેવી ૧૦૦ ટકા નામાંકન કરવા સરકાર સંકલ્પબદ્ધ છે. શાળા પ્રવેશોત્સવને પરિણામે ડ્રોપ આઉટ રેઇટ ૧ ટકા સુધી લઇ જવામાં મળેલી સફળતાને પગલે માધ્યમિક શાળાઓમાં પણ ટ્રાન્ઝીશન રેટ ૧૦૦ ટકા લઇ જવા માધ્યમિક શાળાઓમાં ધોરણ-૯માં પ્રવેશપાત્ર વિદ્યાર્થીઓનો પ્રવેશોત્સવ પ્રયોગરૂપે શરૂ કર્યો છે.સવા લાખ જેટલા શાળાના ઓરડાઓ, બધી જ શાળાઓમાં કોમ્પ્યુટર લેબ, લાયબ્રેરી, પ્રયોગશાળા વગેરે સુવિધાઓથી બાળકોના અભ્યાસની પૂરતી કાળજી સરકાર કરોડો રૂપિયાનું બજેટ શિક્ષણ માટે ફાળવીને લઇ રહી છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું. રુપાણીએ બાળકોના શાળા પ્રવેશોત્સવને પારિવારિક ઉત્સવ તરીકે ઉજવીને બાળકના શાળા નામાંકનને પ્રોત્સાહિત કરવા વાલી-માતા-પિતાઓને પણ અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે, શિક્ષણ જ વિકાસનો પાયો છે તેથી આજનું બાળક શિક્ષા-દિક્ષા મેળવી રાષ્ટ્રનિર્માણ – સમાજનિર્માણમાં ભાવિ નાગરિક તરીકે સક્ષમતાથી ઊભો રહે તે જ આપણી નેમ છે.