શિલ્પા શેટ્ટીનાં માતા સુરતની કોર્ટમાં હાજર થયાં…

બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીનાં માતા સુનંદા શેટ્ટી 30 સપ્ટેંબર, સોમવારે સુરતની જિલ્લા અદાલતમાં હાજર થયાં હતાં. આ કેસ પ્રફુલ સાડીના માલિક પાસેથી કથિતપણે ખંડણી માગવાને લગતો છે. આ કેસ 10 વર્ષ જૂનો છે. આજે કોર્ટે સુનંદા સામે આરોપ નિશ્ચિત કર્યા હતા.

કેસની વિગત એવી છે કે, સુનંદા શેટ્ટીએ પ્રફુલ બ્રાન્ડની સાડી માટે સ્વિટ્ઝરલેન્ડ અને પેરિસમાં શૂટિંગ કરી એક જાહેરખબર ફિલ્મ બનાવી હતી. ફરિયાદીના જણાવ્યા મુજબ, તે જાહેરખબર રિલીઝ કરવાની કોઈ સમયમર્યાદા નક્કી કરવામાં આવી નહોતી. ફરિયાદીએ જાહેરખબર ફિલ્મના શૂટિંગ પેટે સુનંદાને રૂ. પાંચ લાખ ચૂકવ્યા હતા. જોકે એડની રોયલ્ટીની રકમ બાબતે વિવાદ સર્જાયો હતો.

સુનંદા અને એમનાં પતિ સ્વ. સુરેન્દ્ર શેટ્ટી પર આરોપ મૂકાયો હતો કે તેમણે અન્ડરવર્લ્ડ ડોન ફઝલુ અને અશરફને બે કરોડની ખંડણી વસુલવા માટે સોપારી આપી હતી. એ માટે ફરિયાદીને અસંખ્ય વાર ફોન કરીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી અને બે કરોડની ખંડણી માગવામાં આવી હતી. સુનંદા શેટ્ટીએ આ કેસમાં ડિસ્ચાર્જ અરજી કરી હતી, જેને કોર્ટે રદ કરી હતી અને આજની તારીખે એમને કોર્ટમાં હાજર રહેવા જણાવ્યું હતું.

ધરપકડ વોરન્ટ બાદ સુનંદા આજે કોર્ટમાં હાજર થયાં હતાં. કોર્ટે આ કેસમાં આજે આરોપ નિશ્ચિત કર્યા હોવાનું વકીલે પત્રકારોને જણાવ્યું હતું. સુનંદા શેટ્ટીએ એમની સામેના આરોપ સ્વીકાર્યા નથી. હવે આગળની કાર્યવાહી માટે કોર્ટે 17 ઓક્ટોબરની તારીખ આપી છે.