ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન અટલબિહારી વાજપેયીનો જીવનદીપ 16 ઓગસ્ટ, ગુરુવારે નવી દિલ્હીની AIIMS હોસ્પિટલમાં બુઝાઈ ગયો. કિડનીની તકલીફ તથા વૃદ્ધાવસ્થાને લગતી બીમારીને કારણે એ ત્યાં બે મહિનાથી દાખલ કરવામાં આવ્યા હતા. ન્યુમોનિયા અને અનેક અવયવો કામ કરતા બંધ થવાને કારણે વાજપેયીએ ગુરુવારે સાંજે 5.05 વાગ્યે અંતિમ શ્વાસ લીધો હતો. એ 93 વર્ષના હતા. એમના પાર્થિવ શરીરને હોસ્પિટલમાંથી દિલ્હીના 6A કૃષ્ણ મેનન માર્ગ સ્થિત નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો જ્યાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપપ્રમુખ અમિત શાહ સહિત અનેક રાજકીય હસ્તીઓએ અંતિમ દર્શન કર્યા હતા.