BSFની સાહસી મહિલા બાઈકર્સ બતાવશે કરતબ…

આ વખતે 26 જાન્યુઆરીએ નવી દિલ્હીના રાજપથ પર ૬૯મા પ્રજાસત્તાક દિવસની પરંપરાગત પરેડ વખતે ભારતીય સીમા સુરક્ષા દળ (બીએસએફ)ની 113 મહિલા બાઈકર જવાન પણ પહેલી જ વાર પોતાનાં કરતબ બતાવવાની છે. હાલ દરરોજ આ મહિલા બાઈકર્સ 350 સીસીની 26 રોયલ એનફિલ્ડ મોટરસાઈકલો પર સવાર થઈને એરોબિક્સની પ્રેક્ટિસ કરી રહી છે જે કૌશલ-કલાબાજી તેઓ 26 જાન્યુઆરી, શુક્રવારે સવારે બતાવશે. આ મહિલા બાઈકર્સની ટીમની આગેવાની જમ્મુ અને કશ્મીરનાં લદાખ ક્ષેત્રમાં બીએસએફનાં સબ-ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતાં સ્ટેન્જીન નોરયાંગ (28) લઈ રહ્યાં છે. મહિલા બાઈકર્સની સભ્યો 20-31 વયની છે. પરેડમાં ભારતીય સૈન્યનાં શક્તિ પ્રદર્શન દરમિયાન અત્યાર સુધી પુરુષ જવાનોની બાઈકર્સ ટીમ દિલધડક ખેલ બતાવતી આવી છે, પણ આ વખતે પહેલી જ વાર મહિલા જવાનો પણ એવી કળા બતાવીને સૌને મુગ્ધ કરી દેશે. રસપ્રદ વાત એ છે કે આ મહિલાઓ જ્યારે બીએસએફમાં જોડાઈ હતી ત્યારે એમને બાઈક ચલાવતાં આવડતી નહોતી, પણ આત્મવિશ્વાસ તથા સાહસ દ્વારા એમણે એ શીખી લીધું છે એટલું જ નહીં, પરંતુ એક જ મોટરસાઈકલ પર અન્ય 10 સવારોની સાથે સાહસિક કરતબ પણ બતાવી શકે છે.