મુંબઈઃ ચર્ચિલ ચેંબર બિલ્ડિંગમાં આગ; 1 વ્યક્તિનું મૃત્યુ

0
631
દક્ષિણ મુંબઈના કોલાબા વિસ્તારમાં હોટેલ તાજમહેલ પેલેસની પાછળના ભાગમાં આવેલા મેરી વેધર રોડ પરના ચર્ચિલ ચેંબર બિલ્ડિંગમાં 21 જુલાઈ, રવિવારે બપોરે લગભગ 12.15 વાગ્યે આગ લાગતાં એક વ્યક્તિનું મરણ નિપજ્યું છે. મૃતકને શ્યામ ઐયર (54) તરીકે ઓળખી કાઢવામાં આવ્યા છે. યુસુફ પૂનમવાલા (50) નામના એક અન્ય રહેવાસીને એક ખાનગી હોસ્પિટલમાં આઈસીયૂમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યારે બુરમલ પાટીલ (29) નામના એક ફાયરમેનને ઈજા થઈ હતી, પણ સારવાર આપ્યા બાદ એને રજા આપવામાં આવી હતી. આગનું કારણ જાણવા મળ્યું નથી. તપાસ પૂરી થયા બાદ જાણવા મળશે. ચાર-માળના ચર્ચિલ ચેંબર બિલ્ડિંગના ત્રીજા માળ પર આગ લાગી હતી. જાણ થતાં જ અગ્નિશામક દળના જવાનો તાબડતોબ ત્યાં પહોંચી ગયા હતા અને આગને કાબુમાં લીધી હતી. જવાનોએ સીડીની મદદથી 14 જણને બચાવી લીધા હતાં.