રિલાયન્સે ઉજવ્યો 40મો સ્થાપના દિવસ…

દેશના ખાનગી ક્ષેત્રની ટોચની કંપનીઓમાંની એક, રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝ લિમિટેડે તેના 40મા વાર્ષિક દિનની 23 ડિસેમ્બર, શનિવારે નવી મુંબઈમાં ભવ્ય રીતે ઉજવણી કરી હતી. કંપનીએ રિલાયન્સ કોર્પોરેટ પાર્ક ખાતે યોજેલા ‘રિલાયન્સ ફેમિલી ડે’ કાર્યક્રમ પ્રસંગે કંપનીના ચેરમેન મુકેશ અંબાણી, એમના પત્ની નીતા અંબાણી, માતા કોકિલાબેન અંબાણી, પુત્રી ઈશા તથા બે પુત્ર આકાશ અને અનંત તેમજ બોલીવૂડ મહાનાયક અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, વરુણ ધવન, આલિયા ભટ્ટ, ગાયક સોનુ નિગમ સહિત 50 હજાર જણ ઉપસ્થિત રહ્યાં હતાં. મુકેશ અંબાણીએ આ નિમિત્તે કર્મચારીઓ, એમના પરિવારજનોને સંબોધન કર્યું હતું અને એ સંબોધન સોશિયલ મિડિયા પર પોસ્ટ કર્યું હતું. એમણે કહ્યું કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝ વિશ્વમાં ટોચની 20 કંપનીઓમાં સ્થાન મેળવશે. મુકેશ અંબાણીએ વધુમાં કહ્યું હતું કે રિલાયન્સ એકમાત્ર વ્યક્તિ, એટલે કે મારા પિતા અને આપણા સ્થાપક ધીરુભાઈના દૂરંદેશીનું સર્જન છે. ધીરુભાઈ અંબાણીને કારણે રિલાયન્સ એક કર્મચારીમાંથી આજે અઢી લાખ કર્મચારીઓની, રૂ. 1000માંથી રૂ. 6 લાખ કરોડનું ટર્નઓવર ધરાવતી અને એક શહેરમાંથી 28 હજાર શહેરો અને નગરો સુધી પ્રસરેલી કંપની બની છે. ઈશા અંબાણીએ કહ્યું કે ધીરુભાઈ અંબાણી તમામ સ્ટાર્ટઅપ્સના પિતામહ હતા. એમણે છેક 1977માં રિલાયન્સની સ્થાપના કરી હતી. અમિતાભ બચ્ચને કહ્યું કે ધીરુભાઈ એક અદના વ્યક્તિમાંથી ઉદ્યોગપતિ બન્યા હતા. શાહરૂખે સ્ટેજ પરથી અંતાક્ષરી રમાડી હતી.