વડા પ્રધાન મોદી મુંબઈ, કલ્યાણ, પુણેની મુલાકાતે આવ્યા…

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 18 ડિસેંબર, મંગળવારે એક દિવસ માટે મહારાષ્ટ્રની મુલાકાતે આવ્યા હતા. એમણે મુંબઈ, કલ્યાણ અને પુણે શહેરોમાં વિકાસલક્ષી યોજનાઓના શુભારંભ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. મોદીએ મુંબઈમાં રીપબ્લિક સમિટ-સર્જિંગ ઈન્ડિયા કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું, રાજભવન ખાતે વિખ્યાત કાર્ટૂનિસ્ટ સ્વ. આર.કે. લક્ષ્મણ પર આધારિત પુસ્તક ‘ટાઈમલેસ લક્ષ્મણ’નું વિમોચન કર્યું હતું. કલ્યાણમાં, થાણે-ભિવંડી-કલ્યાણ મેટ્રો લાઈન-5 તથા દહિસર-મીરા રોડ-ભાયંદર મેટ્રો લાઈન-9નો શિલાન્યાસ કર્યો હતો. નવી મુંબઈ શહેર માટેની ટાઉનપ્લાનિંગ સંસ્થા સિટી એન્ડ ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (સીડકો)ની રૂ. 18 હજાર કરોડની કિંમતની સમૂહ હાઉસિંગ યોજનાનો શુભારંભ કર્યો હતો. ફિલ્મ-મનોરંજન ઉદ્યોગના અગ્રણીઓને અપોઈન્ટમેન્ટ મુજબ મળ્યા હતા. તેમજ પુણે શહેરમાં હિંજવાડી-શિવાજીનગરને જોડતી પુણે મેટ્રો લાઈન-3 પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગોએ એમની સાથે મહારાષ્ટ્રના ગવર્નર વિદ્યાસાગર રાવ અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પણ ઉપસ્થિત હતાં.