થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે વિશેષ કાર્યક્રમો

અમદાવાદઃ મનુષ્યજન્મની સાર્થકતા અન્ય જીવોને માટે સહાયતાની સરવાણી વહાવવામાં ઉત્તમોત્તમ માનવામાં આવી છે.જેને અનુસરતાં થેલેસેમિયા મેજરના બાળદર્દીઓ માટે શહેરના સીટીએમ સ્થિત શ્રી મા મહાદેવી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત રક્તદાન શિબિર, ભોજન સમારંભ,પતંગોત્સવ, રમતોત્સવ અને ઇનામ વિતરણ કરવામાં આવ્યાં હતાં. આયખાંને આંગણે ઓછાં આંક લઇને પીડાતાં થેલેસેમિયા મેજર જેવા ગંભીર અને દર્દનાક રોગના ભોગ બનેલાં બાળકોની વાત આવે ત્યારે જેટલી થઇ શકે તેટલી સહાય ઓછી પડતી હોય છે. આવાં થેલેસેમિયા મેજરથી પીડિત બાળકો માટે શહેરની સંસ્થા દ્વારા વિેશેષ કાર્યક્રમ વાસી ઉત્તરાયણના દિવસે આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ શહેરની અમદાવાદ ઇન્સ્સિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં યોજાયો હતો.

જેના ઉદઘાટન સમારોહમાં શહેરના મેયર ગૌતમ શાહ, સિવિલ હોસ્પિટલના થેલેસેમિક વોર્ડના પૂર્વ વડાકે એમ મહેરીયા, હાલના વડા જોલીબહેન વૈષ્ણવ સહિત સિવિલ હોસ્પિટલના ઉચ્ચ પદાધિકારીગણ ઉપસ્થિત રહ્યાં હતાં. થેલેસેમિક બાળકોને વારંવાર રક્ત ચડાવવાની જરુર પડતી હોય છે અને તે માટે રક્ત પુરવઠો મેળવવો મુશ્કેલ કાર્ય માનવામાં આવે છે. ત્યારે બાળદર્દીઓની સેવામાં સંસ્થાના હરિ ઓમ શ્રી પરિવાર દ્વારા ત્રણ વર્ષથી નિઃશુલ્ક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં કોઇપણ નાતજાતના ભેદભાવ વિના રક્તદાન કરવામાં આવે છે. દાનપુણ્ય માટે ઉત્તમ ગણાયેલાં ઉત્તરાયણના પાવનપર્વે સંસ્થાના યુવાનોએ ભારે ઉત્સાહ દાખવ્યો હતો અને રક્તદાન કરવામાં આવ્યું હતું. રાજ્યભરમાંથી વિશેષ આમંત્રિત કરાયેલાં થેલેસેમિયા મેજરના બાળકો માટે આ ઉપરાંત પણ દિવસભરના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. તેઓ અને તેમના પરિવાર માટે પૌષ્ટિક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ બાળકો સતત દર્દ સાથે જીવતાં હોય છે તેમના માટે દિવસમાં આનંદની પળો ભરી દેતાં પતંગોત્સવની કિટનું વિતરણ અને કાર્યક્રમ સ્થળ અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના પ્રાંગણમાં પતંગો ચડાવી અપાવવાનો આનંદ પણ ભેટમાં અપાયો હતો. આ બાળકો માટે સંગીત ખુરશી, લીંબુચમચી, દોડ વગેરે તેમને આનંદિત કરતી રમતો પણ સંસ્થાના પરિવાર દ્વારા ઉમળકાભેર રમાડવામાં આવી હતી. રમતગમતાં વિજેતા બનેલાં 15 બાળકોને સંસ્થા દ્વારા રોકડ રકમની નાનકડી ભેટ પણ આપવામાં આવી હતી. સંસ્થા દ્વારા સિવિલ હોસ્પિટલના થેલેસેમિયા વોર્ડમાં ભોજન સેવાના સાતમા વર્ષમાં મંગલ પ્રવેશ સમયે થેલેસેમિયાગ્રસ્ત બાળકો અને તેમના માતાપિતાઓને અવસરના આનંદના સહભાગી બનાવાયાં હતાં. હરિ ઓમ શ્રી પરિવાર દ્વારા દર મંગળવાર અને દર ગુરવારે ગમે તેવા ટાઢતડકો કે વરસાદ હોય કે શહેરની ગમે તેવી અશાંત પરિસ્થિતિમાં પણ ગુજરાત અને અન્ય રાજ્યમાંથી આવતાં દર્દી બાળકો માટે ઘરમાં જાતે બનાવેલાં ભોજનની સેવા પહોંચાડવામાં આવે છે. અત્યાર સુધીમાં આ કાર્યમાં 601 ભોજનસેવા દરમિયાન 52,000થી વધુ દર્દી-પરિવારજનોએ લાભ મેળવ્યો છે. હરિ ઓમ શ્રી પરિવાર દ્વારા વખતોવખત ભારતીય યોગસાધનાની શિબિરોનું આયોજન પણ કરવામાં આવે છે તે કડીમાં મકરસંક્રાતિના ઉપલક્ષમાં વિશેષ સૂર્યોદય-સૂર્યાસ્ત પૂજન અને યોગસાધના પણ કરવામાં આવી હતી.

તસવીરો- પ્રજ્ઞેશ વ્યાસ