લંડન મ્યુઝિયમમાં પ્રિયંકાનાં મીણનાં પૂતળાનું અનાવરણ…

દુનિયાભરની જાણીતી હસ્તીઓનાં મીણનાં પૂતળાઓ પ્રદર્શિત કરવા માટે જાણીતા મેડમ તુસાદ મ્યુઝિયમના લંડનસ્થિત મ્યુઝિયમમાં બોલીવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાની મીણની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. આ પૂતળામાં પ્રિયંકાની ડાયમંડની વેડિંગ રિંગને પણ બતાવવામાં આવી છે અને એની પ્રતિકૃતિને ખૂબ ઝીણવટપૂર્વક અને ખાસ તકેદારી લઈને બનાવવામાં આવી છે. પૂતળામાં પ્રિયંકાનો ગોલ્ડન ગાઉન લુક પસંદ કરવામાં આવ્યો છે. એ ગાઉન તેણે 2017માં ગોલ્ડન ગ્લોબ એવોર્ડ સમારંભ વખતે ધારણ કર્યો હતો. આ પૂતળાનું સર્જન એટલું ઉત્તમ છે કે એ આબેહૂબ પ્રિયંકા જેવું જ દેખાય છે. પ્રિયંકા અમેરિકાના ગાયક-ગીતકાર નિકોલસ જોનાસને પરણી છે. એણે પોતાનું મીણનું પૂતળું બનાવવા માટે મેડમ તુસાદના નિષ્ણાતોની ટીમને ન્યૂયોર્ક સિટીસ્થિત પોતાનાં ઘરમાં જ બેસીને ચહેરા અને ફિગરનું માપ આપ્યું હતું. પ્રિયંકાનું મીણનું પૂતળું મેડમ તુસાદના ન્યૂયોર્ક, સિડની, સિંગાપોર, બેંગકોક અને હોંગકોંગ ખાતેના મ્યુઝિયમમાં પણ મૂકવામાં આવ્યું છે.