કંગનાને ૩૧મા જન્મદિવસ નિમિત્તે ‘હેપ્પી બર્થડે’

બોલીવૂડની ટેલેન્ટેડ અભિનેત્રી કંગના રણૌત આજે, 23 માર્ચ, શુક્રવારે પોતાનો ૩૧મો જન્મદિવસ ઉજવી રહી છે. હિમાચલ પ્રદેશના નાનકડા નગર ભાંબલામાં 1986ની 23મી માર્ચે જન્મેલી કંગના માત્ર અભિનેત્રી જ નહીં, સ્ટાઈલ ક્વીન તરીકે પણ જાણીતી છે. કંગના કોઈ પણ ગોડફાધરની મદદ વિના કે કોઈ પણ ફિલ્મી બેકગ્રાઉન્ડ વિના ગ્લેમર જગતમાં એન્ટ્રી મેળવી શકી છે અને ઉલ્લેખનીય સ્ટાર બની શકી છે. એણે બોલીવૂડમાં પહેલી ફિલ્મ કરી હતી ‘ગેંગસ્ટર – અ લવ સ્ટોરી’. આ ફિલ્મ 2006માં આવી હતી. ‘ફેશન’, ‘ક્વીન’, ‘તનુ વેડ્સ મનુ’, ‘તનુ વેડ્સ મનુ રિટર્ન્સ’, ‘સિમરન’ જેવી ફિલ્મોમાં અસરકારક અભિનય કરવા ઉપરાંત કંગના ફેશન ક્વીન તરીકે પણ ખ્યાતિ પ્રાપ્ત કરી શકી છે. પોતાના આખાબોલા સ્વભાવને કારણે કંગનાને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કેટલીક તકલીફો પણ ભોગવવી પડી છે, એ અમુક વિવાદોમાં પણ ફસાઈ છે, પરંતુ નીડર હોવાથી દરેક પરિસ્થિતિનો મક્કમતાપૂર્વક સામનો કરે છે. અભિનય બદલ દર્શકોમાં લોકપ્રિય થયેલી કંગનાએ બેસ્ટ એક્ટ્રેસનો રાષ્ટ્રીય એવોર્ડ ત્રણ વાર જીત્યો છે. હાલ એ બે ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. એક, ‘મણિકર્ણિકાઃ ધ ક્વીન ઓફ ઝાંસી’ અને ‘મેન્ટલ હૈ ક્યા’. ‘મણિકર્ણિકાઃ ધ ક્વીન ઓફ ઝાંસી’માં એ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનો રોલ કરી રહી છે. કંગના એનાં જીવન તથા કારકિર્દીમાં આગળ વધતી રહે અને સફળતા મેળવે એવી શુભેચ્છા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]