‘લિટલ સિંઘમ’ એનિમેશન સિરીઝ…

બોલીવૂડ ફિલ્મ નિર્માતા રોહિત શેટ્ટીએ ડિસ્કવરી કિડ્સના સહયોગમાં લિટલ સિંઘમ નામે એનિમેશન ટીવી સિરીઝ શરૂ કરી છે. શેટ્ટીએ 10 એપ્રિલ, મંગળવારે મુંબઈમાં મિડિયાકર્મીઓ સમક્ષ આ સિરીઝને લોન્ચ કરી હતી. આ સિરીઝ શેટ્ટીએ એમની સુપરહિટ નિવડેલી સુપરકોપ બ્રાન્ડ હિન્દી ફિલ્મ ‘સિંઘમ’ પ્રેરિત છે. ‘લિટલ સિંઘમ’ પાત્ર 5-11 વર્ષની વયના બાળકોનું ફેવરિટ એનિમેશન પાત્ર બનશે એવો શેટ્ટીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ સિરીઝ 21 એપ્રિલથી ડિસ્કવરી કિડ્સ ચેનલ પર પ્રસારિત કરવામાં આવશે. ભારતના સૌથી યુવાન વયના સુપરકોપની ઈન્ટ્રો લાઈન આ છે – ‘પોલીસ કી વર્દી, શેર કા દમ, નામ હૈ મેરા લિટલ સિંઘમ.’ ‘સિંઘમ’ ફિલ્મમાં જેમ અજય દેવગનના ‘આતા માઝી સટકલી’ જેવા ડાયલોગ્સ લોકપ્રિય થયા છે એવી જ રીતે, લિટલ સિંઘમમાં પણ બાળ એનિમેટેડ સિંઘમને ડાયલોગ્સ આપવામાં આવ્યા છે અને એને બહાદુરી બતાવતો દર્શાવવામાં આવ્યો છે. આ સિરીઝમાં 156 એપિસોડ અને પાંચ ટેલી ફિચર હશે. આ સિરીઝ હિન્દી ઉપરાંત તામિલ અને તેલુગુ ભાષામાં પણ પ્રસારિત કરાશે.