અમિતાભને જ્યારે હિમાચલની ઠંડીએ ગભરાવી દીધા…

બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનને હાલમાં જ હિમાચલ પ્રદેશની કાતિલ ઠંડીનો સામનો કરવો પડ્યો હતો. અમિતાભને આગામી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના શૂટિંગ માટે હિમાચલ પ્રદેશના મનાલી જવાનું થયું હતું, પરંતુ હવામાન ખરાબ હોવાને કારણે એમને ચંડીગઢથી વાહન દ્વારા જવું પડ્યું હતું. એમને બિલાસપુર શહેરના સર્કિટ હાઉસમાં રાજ્યના અતિથિ તરીકે થોડોક સમય માટે આરામ કરવાનું મળ્યું હતું. એ વખતે તેઓ ત્યાંની ઠંડીથી ઘણા ગભરાયેલા જણાયા હતા. એમણે માત્ર એક જ જેકેટ પહેર્યું હતું અને બીજું જેકેટ હાથમાં રાખ્યું હતું.

હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારોમાં અને ખાસ કરીને મનાલીમાં હાલ જોરદાર હિમવર્ષા થઈ રહી છે. અમિતાભ ઠંડીને ધ્યાનમાં રાખીને જરાય લાપરવાહી કરતા નથી.

બિલાસપુરમાં એમને જોવા અને મળવા માટે ઘણા પ્રશંસકોએ ઘેરી વળ્યા હતા. શહેરના વરિષ્ઠ અધિકારીઓએ અમિતાભનું સ્વાગત કર્યું હતું.

અમિતાભે સુરક્ષાના કડક બંદોબસ્ત વચ્ચે સરકારી અધિકારીઓ સાથે લંચ લીધું હતું. રાજમહલ હોટેલમાંથી એમને માટે જમવાનું મગાવવામાં આવ્યું હતું. અમિતાભે લંચમાં શાકભાજી, શાહી પનીર અને પાલક મશરૂમ ખાધું હતું.

અમિતાભ ત્યાંથી મંડી શહેર પણ ગયા હતા જ્યાં પણ પ્રશંસકોએ એમની સાથે સેલ્ફી લીધી હતી.

‘બ્રહ્માસ્ત્ર’ના અન્ય કલાકારો – રણબીર કપૂર, આલિયા ભટ્ટ, મૌની રોય મનાલી પહોંચી ચૂક્યાં છે.