હેપ્પી બર્થડેઃ આમિર ખાન થયો ૫૩ વર્ષનો…

બોલીવૂડના સુપરસ્ટાર્સમાંનો એક અને બોલીવૂડમાં ‘મિસ્ટર પરફેક્શનિસ્ટ’ તરીકે ઓળખાતો આમિર ખાન, આજે પોતાનો 53મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ 53 વર્ષમાંથી 35 વર્ષ આમિરે હિન્દી સિનેમા માટે આપ્યા છે. એમાંય 30 વર્ષથી તો એ લીડ એક્ટર તરીકે પંકાયેલો રહ્યો છે.  આમિરે બોલીવૂડમાં પોતાની અભિનયકળા વડે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. આમિર હાલ રાજસ્થાનમાં ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાં’ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે. 

દિગ્દર્શક કાકા મન્સૂર ખાનની ‘કયામત સે કયામત તક’ ફિલ્મ સાથે આમિરે બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી અને એ રાતોરાત સ્ટાર બની ગયો હતો. ત્યારબાદ મન્સૂર ખાન દ્વારા જ ડાયરેક્ટ કરાયેલી ‘જો જીતા વોહી સિકંદર’ સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ પણ હિટ ગઈ હતી અને આમિરની લોકપ્રિયતાને સિક્કો લાગી ગયો હતો. દિલ, રંગીલા, રાજા હિન્દુસ્તાની, ઈશ્ક, દિલ ચાહતા હૈ જેવી અનેક ફિલ્મો આવી, પણ ‘લગાન’ ફિલ્મે આમિરને સુપરસ્ટાર બનાવી દીધો. આમિરની છેલ્લી ત્રણ ફિલ્મ પીકે (2014), દંગલ (2016) અને સીક્રેટ સુપરસ્ટાર (2017) દુનિયામાં સૌથી વધારે બોક્સ ઓફિસ કમાણી કરનારી ટોપ-5 ફિલ્મોમાં સામેલ છે.  

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સૌથી સારી સ્ક્રિપ્ટને સમજી શકે એવો અભિનેતા આમિર ખાન છે એવું કહેવાય છે. પરંતુ આ એક્ટર અમુક મોટા વિવાદોમાં પણ ખરાબ રીતે ફસાયાના પણ એની સાથે કિસ્સાઓ બન્યા છે. જેમ કે, ભારતમાં અસહિષ્ણુતાનું વાતાવરણ પ્રવર્તે છે એવું બોલીને એ ફસાયો હતો અને દેશભરમાં એની આકરી ટીકા થઈ હતી. 

ટ્વિટર અને ફેસબુક સહિત સોશિયલ મીડિયા પર વિશાળ ચાહકવર્ગ ધરાવતો આમિર આજથી આ મીડિયા પર પોતાનો વ્યાપ વધારવાનો છે અને પોતાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ શરૂ કરવાનો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]