‘કુછ કુછ હોતા હૈ’ની 20મી વર્ષગાંઠની ઉજવણી

બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દેનાર શાહરૂખ ખાન, રાની મુખરજી અને કાજોલ અભિનીત ‘કુછ કુછ હોતા હૈ’ હિન્દી ફિલ્મને 20 વર્ષ થયા. ફિલ્મની આ 20મી વર્ષગાંઠની ખુશાલીમાં ફિલ્મના નિર્માતા-દિગ્દર્શક કરણ જોહરે મુંબઈમાં એક ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં ફિલ્મના કલાકારો, કસબીઓ તથા પત્રકારો ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે શાહરૂખે કહ્યું કે, દિગ્દર્શક કરણ જોહરે સાવ વાહિયાત સ્ટોરી સંભળાવી હતી, પણ ફિલ્મ હિટ જશે એવી એમને ખાતરી હતી એટલે જ મેં ફિલ્મ સાઈન કરી હતી. મને ક્યારેય પટકથાની સમજ પડતી નથી. હું તો પટકથા લેખક કે દિગ્દર્શકની વાત જ માનતો રહ્યો છું. ઉજવણી કાર્યક્રમમાં કરીના કપૂર, નિર્દેશિકા ઝોયા અખ્તર, અયાન મુખરજી, નેહા ધુપીયા, અભિષેક બચ્ચન, શ્વેતા બચ્ચન-નંદા, ટ્વિંકલ ખન્ના, જ્હાન્વી કપૂર, ઈશાન ખટ્ટર, વરુણ ધવન, સિદ્ધાર્થ મલ્હોત્રા, રેપર બાદશાહ સહિત બોલીવૂડની અનેક હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. ‘કુછ કુછ હોતા હૈ’ 1998માં રિલીઝ થઈ હતી અને એણે શ્રેષ્ઠ મનોરંજક ફિલ્મ તરીકેના રાષ્ટ્રીય એવોર્ડ સહિત બીજા અનેક એવોર્ડ્સ જીત્યા હતા.