અમદાવાદમાં જ્યારે વિદેશી મહેમાન વિદ્યાર્થીઓ મન મૂકીને ગરબે ઘૂમ્યાં…

શક્તિની આરાધનાના દિવસો નવરાત્રિમાં ગરબે ઘૂમવામાં પરંપરાગત પહેરવેશ અને માન્યતા મુજબ ગુજરાતીઓ ઠેર ઠેર ગરબે ઘૂમે. પણ.. આ રાસ-ગરબામાં યુએસએ, ઇટાલી, થાઇલેન્ડ, સ્વિટ્ઝરલેન્ડ જેવા દેશોના લોકો અમદાવાદના આંગણે મન મૂકીને મજા માણે ત્યારે આ દ્રશ્યો ભાવુક બનાવી દે.. 5 ઓક્ટોબર, શનિવારે અમદાવાદ શહેરના પ્રહલાદનગર રોડ પર આવેલા સીમા હોલમાં સ્ટુડન્ટ્સ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ આવેલા દુનિયાના જુદા જુદા દેશના યુવક-યુવતીઓએ રાસ-ગરબાની ભરપૂર મજા માણી હતી.


એએફએસ ઇન્ટર-કલ્ચરલ પ્રોગ્રામ હેઠળ વિવિધ દેશોના વિદ્યાર્થીઓ એક બીજાના દેશમાં જઇને અરસપરસ સંસ્કૃતિ અને અન્ય બાબતોને જાણવાનો પ્રયાસ કરતા હોય છે. આ સાથે અન્ય દેશોના વિદ્યાર્થીઓ સાથે મૈત્રી પણ કેળવતા હોય છે.


એએફએસ-અમદાવાદ ચેપ્ટર દ્વારા નવરાત્રિ -2019 નું આયોજન કરાયું હતું જેમાં દુનિયાના જુદા જુદા દેશોમાંથી ભારત આવેલા 31 વિદ્યાર્થીઓને મહેમાનગતિ અને નવરાત્રિ મહોત્સવમાં ભાગ લેવા આમંત્રિત કરવામાં આવ્યા હતા.


બહારના દેશોના આ વિદ્યાર્થીઓ ભારતના વિવિધ શહેરોમાં રોકાયેલા હતા. આ વિદ્યાર્થીઓને નવરાત્રિ માટે અમદાવાદમાં આમંત્રણ અપાયું હતું. નવરાત્રિ મહોત્સવમાં વિદેશી વિદ્યાર્થીઓએ જુદા જુદા સ્થળોની મુલાકાત લઇને રાસ-ગરબા માણ્યાં હતા.


અમદાવાદના સીમા હોલ ખાતે પરંપરાગત પહેરવેશ સાથે સૌ વિદ્યાર્થીઓએ ગરબા, ત્રણ-તાલી જેવા વિવિધ પ્રકારના રાસ-ગરબામાં ભાગ લીધો હતો.


યુએસએથી આવેલા માઇકલને જ્યારે પૂછ્યું કે 'ગરબો ઘૂમવાનું કેવું લાગ્યું?' તો તરત જ બોલી ઉઠ્યો... 'અદભૂત અનુભવ.. ખૂબ મજા આવી... આ પ્રકારની સુંદર સંસ્કૃતિને જાણવાનો એક લહાવો મળ્યો.


એએફએસ અમદાવાદ ચેપ્ટર સાથે સંકળાયેલા નિરાલી મચ્છર 'ચિત્રલેખા.કોમ' ને કહે છે આ સંસ્થાના ઉપક્રમે આવેલા વિદ્યાર્થીઓ એકબીજાની સંસ્કૃતિને જાણવાની અને માણવાની ભરપૂર મજા લે છે. આ પ્રોગ્રામ હેઠળ હું પણ યુએસએ ગઇ હતી. મારાં માતા ભાવના મચ્છર પણ એએફએસ સાથે સંકળાયેલાં છે. વિદ્યાર્થીઓને વોલન્ટિયર્સ નિઃશુલ્ક અને નિઃસ્વાર્થ ભાવે પોતાનાં ઘેર રાખે છે. 'અતિથિ દેવો ભવ'નું શ્રેષ્ઠ ઉદાહરણ એએફએસ ચેપ્ટરમાં જોવા મળે છે. આખીય દુનિયાના માણસોને 'વસુધૈવ કુટુંબકમ્'ની જેમ એક તાંતણે જોડવાનો એએફએસનો પ્રયાસ છે.


(અહેવાલ અને તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]