મુંબઈગરાંઓએ ગણપતિબાપાને આપી ભાવભીની વિદાય…

મુંબઈમાં 12 સપ્ટેંબર, ગુરુવારે અનંત ચતુર્દશી અથવા ગણપતિ વિસર્જન પર્વની શ્રદ્ધાળુઓએ પરંપરાગત ધાર્મિક ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરી હતી. વિવિધ વિસ્તારોમાં સાર્વજનિક મંડળોમાં સ્થાપિત કરવામાં આવેલી જુદા જુદા વિરાટ કદની, રંગ-રૂપ અને આકારની ગણપતિની મૂર્તિઓનું દરિયામાં વિસર્જન કરવામાં આવ્યું હતું. આ તસવીરો દક્ષિણ મુંબઈના ગિરગાંવ ચોપાટી પર વિસર્જન સમયની ભીડની તથા ચિંચપોકલી ઉપનગરમાં નીકળેલા ગણેશ વિસર્જન સરઘસની છે.




સુપ્રસિદ્ધ 'લાલબાગચા રાજા' ગણેશ મૂર્તિનું પણ ગિરગાંવ ચોપાટીના દરિયામાં વિસર્જન કરવામાં આવનાર છે. તેનું પણ વિરાટ સરઘસ નીકળ્યું હતું અને મૂર્તિનાં દર્શન કરવા માટે લોકો ટોળે વળ્યાં હતાં.


સમગ્ર શહેરમાં સલામતીનો અત્યંત કડક બંદોબસ્ત તેમજ વિસર્જન માટેની પર્યાપ્ત વ્યવસ્થા કરવામાં પોલીસ અને મહાનગરપાલિકાએ કોઈ કચાશ બાકી રાખી નથી.






ભક્તો વિસર્જનના સરઘસમાં નાચતા-ગાતા અને 'ગણપતિ બાપા મોરયા', 'પુઢચ્યા વર્ષી લવકર યા' નારા લગાવતા જતાં જોવા મળ્યા હતા.


મુંબઈમાં ગિરગાંવ ચોપાટી, જૂહુ ચોપાટી, ગોરાઈ બીચ, માર્કે બીચ, આક્સા બીચ, વર્સોવા બીચ, દાદર ચોપાટીના દરિયામાં ગણપતિની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.






























આજે ગણપતિ વિસર્જન સાથે જ મુંબઈમાં 10-દિવસ સુધી ચાલેલા ગણેશોત્સવનું સમાપન થશે.


ગિરગાંવ ચોપાટી ખાતે ગણેશ વિસર્જન વખતે પોલીસે હેલિકોપ્ટરમાંથી ગતિવિધિ પર દેખરેખ રાખી હતી.

(તસવીરોઃ દીપક ધુરી)