હરિ ઓમ શ્રી ધ્યાન યોગશિબિર

અમદાવાદ– શરીર સ્વાસ્થ્ય સાથે માનસિક અને આત્મિક સ્વાસ્થ્યની કેળવણી ભારતીય યોગસંસ્કૃતિની આગવી દેન છે. આ સૂત્રને અપનાવતાં અમદાવાદના સીટીએમ સ્થિત શ્રી મા મહાદેવી સેવા ચેરિટેબલ ટ્રસ્ટના હરિ ઓમ શ્રી પરિવાર દ્વારા યુવા અને બાળકો માટે ખાસ નિઃશુલ્ક ત્રિદિવસીય ધ્યાનયોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્રિદિવસીય શિબિરમાં બ્રહ્મમૂહૂર્તમાં કાર્યની શરુઆતે સ્વાસ્થ્ય લાભ માટે વોકિંગ, લાફિંગ સહિતની ગાર્ડનમાં રમતગમત સાથેની અંગકસરતો કરવામાં આવી હતી. સુપાચ્ય નાસ્તા અને ભોજનની લહેજત પણ આ યુવાઓને જંકફૂડના નુકસાન સામે જાગૃત કરવા માટે આપવામાં આવી હતી. તેમ જ સૂર્યોદય-સૂર્યાસ્ત સમયે સૂર્યપૂજન, ચંદ્રપૂજન, ધ્યાનની વિવિધ પ્રક્રિયાઓ, મૌનસાધના, સ્ટ્રેસ મેનેજમેન્ટ,ટાઇમ મેનેજમેન્ટ, લાઇફ સાયન્સના અમૂલ્ય આદર્શ અને સ્વસ્થ જીવનની સમજણ આપવામાં આવી હતી. ત્રણે દિવસની શિબિરમાં ગુજરાતભરમાંથી યુવાનો અને બાળકોએ આ શિબિરમાં ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે તે ત્રણ દિવસની આ શિબિરમાં રહેવા-જમવાનો કોઇપણ પ્રકારનો ખર્ચ લેવામાં આવ્યો ન હતો. તમામ સુવિધાઓ હરિ ઓમ શ્રી પરિવારના સભ્યો દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. વિશેષમાં આ શિબિર દરમિયાન મોબાઇલના એડિક્શનથી થતાં નુકસાનથી બાળકો યુવાઓને અવગત કરવામાં આવ્યાં હતાં. આમ, સ્વાસ્થ્ય, સુવિધા અને સાતત્યપૂર્ણ વૈદિક જ્ઞાનનો લહાવો શિબિરમાં ભાગ લીધેલાં બાળકો અને યુવાનોને મળ્યો હતો.