ટીનેજરે 99 પાઉન્ડમાં ઘર વેચીવેચી વર્ષમાં કમાઇ લીધાં 100 કરોડ

વેચાણની કળા શીખવતી મોટી મોટી સંસ્થાઓએ પણ કંઇ શીખવવાનું બાકી રહી જતું હોય છે. બ્રિટનના એક નવાસવા ધનકુબેરે આવો પદાર્થપાઠ પૂરો પાડ્યો છે. 19 વર્ષની ઉંમરમાં એણે એક જ વરસમાં 100 કરોડ કમાઇ લેવાની સ્માર્ટનેસ દુનિયાને દેખાડી આપી છે. તે બ્રિટિશ તો છે પણ મૂળ ભારતીય વંશનો છે… નામ છે અક્ષય કૌશિક રુપારેલિયા. આજકાલ આર્થિક જગતમાં અને યુવા વર્ગમાં તેની ચર્ચાઓ છે, કારણ કે બ્રિટનના સૌથી યુવા કરોડપતિઓમાં તેનું નામઠામ અને કામ આવી ગયાં છે.

માત્ર 19 વર્ષની ઉંમરમાં સફળ બિઝનેસમેન બનવાની સિદ્ધિ અક્ષયે કઇ રીતે મેળવી. તેની એક ઓનલાઇન કંપની છે DoorStep.co.uk જેણે 16 મહિનાની અંદર જ બ્રિટનની સૌથી મોટી 18 ઓનલાઇન કંપનીઓમાં સ્થાન મેળવ્યું છે. અક્ષયની આ કંપનીનું મૂલ્ય એક વર્ષમાં 20 લાખ પાઉન્ડ આંકવામાં આવ્યું છે, જે પછી તેનું સ્થાન સૌથી યુવા કરોડપતિઓમાં શામેલ થઇ ગયું છે.અક્ષય આ બિઝનેસ પોતાના ભણતરની સાથેસાથે કરે છે. ભણવાના ક્લાસીસની વચ્ચે વચ્ચેના સમયમાં તે જમીન અને ઘરના સોદા કરવાનું કામ કરે છે. કંપની માલિક અક્ષય રુપારેલિયાએ તેનો પહેલો સોદો કર્યો ત્યારથી લઇને અત્યાર સુધીમાં 10 કરોડ પાઉન્ડ કીમતની જમીનના સોદા કરાવી ચૂક્યો છે.

અક્ષય કોઇ માલેતુજારનો પુત્ર નથી. તેના બહેરામૂંગા માતાપિતા એક મધ્યમવર્ગીય પરિવારના છે જેમાં પિતા કૌશિક કેરવર્કરનું કામ કરે છે અને માતા રેણૂકા વિકલાંગોની શાળામાં સહાયક શિક્ષિકા છે. અક્ષયે તેની કંપનીની શરુઆત સાત હજાર પાઉન્ડ ઉધાર લઇને શરુ કરી હતી, જે હવે 12 લોકોને રોજગારી આપતી કંપની બની ગઇ છે.

અક્ષયની સફળતાને પગલે ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ તેને અર્થશાસ્ત્ર અને ગણિતમાં વધુ અભ્યાસ માટે ઇજન આપ્યું છે પણ આ આમંત્રણ મુલતવી રાખી પોતાના બિઝનેસને આગળ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેની મહેનત અને ઇમાનદારી તથા નફાખોરી નહીં રાખવાના સિદ્ધાંતે તેને સફળ બિઝનેસમેન બનાવ્યો છે. અક્ષયે સાબિત કર્યું છે કે પોતાનામાં કાબેલિયત હોય તો સફળતા ઉંમર સામે જોતી નથી અને પ્રગતિ તમારો પીછો પકડે છે. તેની ઉંમરના સહાધ્યાયીઓ શાળાના આંગણાંમાં બોલ રમે છે ત્યારે આ સિદ્ધિ મેળવવી કંઇ જેવીતેવી તો ન કહેવાય.અક્ષયે બિઝનેસ કઇ રીતે કર્યો? આ નવયુવાન મોબાઇલ ફોન પર રમતાંરમતાં મોટી મોટી પ્રોપર્ટીની ડીલ કરે છે. તેણે એક કોલ સેન્ટરની સેવા ભાડે લીધી છે જેના સ્વીચબોર્ડથી એક ક્લાસમાં ભણતો હોય ત્યારે તેના વતી ગ્રાહકોને જવાબ આપે છે અને બે પિરિયડ વચ્ચેના ગાળામાં ખેલના મેદાનમાં અને સ્કૂલ છૂટ્યાં પછી અક્ષય પોતે ગ્રાહકને કોલ બેક કરે છે. તેની કંપનીના શેર એક જ મહિનામાં રોકાણકારોએ લઇ લીધાં હતાં. સાત હજાર પાઉન્ડથી બનાવેલી કંપનીને રોકાણકારોએ પાંચ લાખ પાઉન્ડ આપી દીધાં અને જોતજોતાંમાં વર્ષ વીત્યે સરવૈયું આવ્યું ત્યારે તેની વેલ્યૂ 12 મિલિયન પાઉન્ડની અંકાઇ અને આ ટીનેજરે 100 મિલિયન પાઉન્ડની કીમતના ઘર વેચી દીધાં હતાં. તેના સહાધ્યાયીઓ તેને બેરૉન સુગરના નામ પરથી એલન સુગરના હુલામણાં નામે બોલાવે છે. અલબત્ત બિઝન્સ ટાઇકૂન અને એપ્રેન્ટિસ પણ કહે છે.

અક્ષય હવે પરંપરાગત હાઈ સ્ટ્રીટ એસ્ટેટ એજન્ટને કારોબારમાંથી બહાર કાઢવા માટેનું ધ્યેય રાખે છે કારણ કે તેઓ ઘર વેચવા માટે હજારો પાઉન્ડ કમિશન ચાર્જ કરે છે જ્યારે તે ફક્ત 99 પાઉન્ડમાં જ કામ કરે છે. પૂરાં બ્રિટનમાંથી તે સ્વરોજગાર માગતાં લોકોની ભરતી કરે છે જેમાં માતાઓ જ છે. જે તેમની આસપાસની વેચાણમાં મૂકાયેલી મિલકતો વેચી શકે. અક્ષય મિલકતોના વેચાણની જૂની પદ્ધતિને બદલી નાંખવા માગે છે. આવું આગવું વિચારતો આ કિશોર બાર્નેટ સ્થિત ક્વીન એલિઝાબેથ હાઇસ્કૂલમાં ભણે છે અને ગણિત, ઇકોનોમિક્સ, પોલિટિક્સ, હિસ્ટ્રી અને ફાઇનાન્શિયલ સ્ટીડીઝમાં ‘A’ લેવલનું પરિણામ પણ મેળવે છે.

તેની સ્ટ્રેટેજી છે કે તમારા ઘરનો ફોટો ઇન્ટરનેટ પર મૂકવા માટે રીયલ એસ્ટેટ એજન્ટને શા માટે આટલાં બધાં નાણાં આપવા પડે?  હું માતાઓને કામ સોંપુ છું જેના પર સૌ વિશ્વાસ કરી શકે છે. માતા પ્રામાણિક રહેશે અને સત્ય કહેશે તે મહત્ત્વનું છે. જે લોકો પોતાનું ઘર વેચવા માટે મૂકે છે તે લોકો માટે તો તેમના જીવનનો એ સૌથી મોટો નાણાકીય વ્યવહાર છે. આ સંવેદનશીલતા સાથે અક્ષય તેનું કામ કરે છે. તેની સાઇટ પર લખેલાં આ મંત્ર જુઓઃઅક્ષયે તેની પહેલી ડીલ કેવી રીતે કરી હતી તેને પણ યાદ રાખે છે. પોતાની વેબસાઇટ શરુ કરી તેના કેટલાક સપ્તાહમાં જ સસેક્સ પરગણાંમાં રહેતા એક ગ્રાહકે ફોન કરી તેને પોતાનું ઘર અને બેકયાર્ડની જમીન વેચવાનું કામ સોંપ્યું હતું. તે જોવા જવા માટે અક્ષયે તેની બહેનના બોયફ્રેન્ડની મદદ લઇને ગાડીમાં પહોંચ્યો હતો કારણ કે તેની પાસે ગાડી ન હતી. મિલકતની જગ્યા પર જઇને તેના ફોટો પાડ્યાં અને પોતાની વેબસાઇટ પર મૂક્યાં. ફક્ત 3 અઠવાડિયામાં તેની આ મિલકતનું સફળતાથી વેચાણ કર્યું તે પહેલો ઘા રાણાનો સાબિત થયો. માતાઓને પોતાના તરફથી કામ સોંપવાનો તેનો પાસો ખૂબ પોબાર પડ્યો છે અને તેને ઘણી શાખ પણ અપાવી છે. એક જાણીતાં ધનપતિની સલાહને અક્ષય ખૂબ માન આપી અપનાવી લીધી છે કે લોકોને એવી કીમત ઓફર કરો કે તે માની ના શકે. 99 રુપિયા લઇને કરોડોની પ્રોપર્ટી વેચાવી આપતો આવો જવાનિયો પૃથ્વીના પડમાં બીજે ક્યાં મળે? તેની પહેલી ડીલમાં તેણે ઘર અને જમીનના વેચાણથી મકાનમાલિકને પોણા સાત લાખથી વધુ પાઉન્ડની કમાણી કરાવી હતી!

ખેર, આ તો અક્ષયની ભવિષ્યની બિગ બિગ સક્સેસ સ્ટોરીની પહેલી કિશ્ત જેવું છે. તેની સતત મહેનત કરવાની ભાવના અને ગ્રાહકોના પક્ષમાં વિચારવાની સંવેદના તેની મોટી મૂડી છે. ભારતીય મૂળનો આ બાળક ખૂબ આગળ વધે અને વધુને વધુ સફળતાના સોપાન ચડશે તે નક્કી છે. કારણ કે કહ્યું છે ને, હિંમતે મર્દા તો મદદે ખુદા…