‘ચિત્રલેખા વિશેષ’: રાજકોટની હિમાંશીબાએ કરી મહિલાદિનની ખરી ઉજવણી!

‘હલો, હું કિરીટસિંહ બોલું છું. આપણી હિમાંશીને હૉસ્પિટલમાં દાખલ કરી છે. ઑપરેશન કરવું પડશે.’

હિમાંશીબા ઝાલા અને એની માતા કિંજલબા ઝાલા

‘હેં ઑપરેશન? પણ એક મહિના પછી તો પરીક્ષા છે! અચાનક શું થયું?’

૧૩ ફેબ્રુઆરી, ૨૦૧૮ના દિવસે રાજકોટમાં મામલતદાર તરીકે ફરજ બજાવતા કિરીટસિંહ ઝાલાએ પોતાના સંબંધીઓને જાણ કરી કે દીકરીનું ઑપરેશન છે. ૧૪ ફેબ્રુઆરીએ સર્જરી થઈ. દીકરી હજી તો અર્ધબેભાન અવસ્થામાં હતી ત્યાં એ કહે: ‘આજે મારી પરીક્ષા છે. મારે તો પેપર આપવું છે. પ્રિન્સિપાલ સર સાથે વાત કરવી છે.’

‘જી.કે. ધોળકિયા સ્કૂલ’ના પ્રિન્સિપાલ રાહુલભાઈ સાથે વાત થઈ. એમણે હિમાંશીને કહ્યું: ‘પરીક્ષા તો તું કેવી રીતે આપીશ?’ પણ વિદ્યાર્થિની બોર્ડની પરીક્ષા આપવા માટે રીતસર જીદ પકડીને બેઠી છે અને હવે ૧૨ માર્ચથી એ પરીક્ષા આપશે પણ ખરી.

જો કે આખરે એને થયું હતું શું? ઑપરેશન શા માટે?

વાત એવી છે કે માત્ર હિમાંશીબા નહીં, આખો પરિવાર ટેન્શનમાં હતો. હિમાંશીબાનાં મમ્મી કિંજલબા ઝાલા ‘ચિત્રલેખા’ને કહે છે કે એને થોડા દિવસથી પેટમાં દુખતું હતું. સ્થાનિક ડૉક્ટરે તો કહ્યું ફૂડ પોઈઝનિંગ છે, પણ દવા કર્યા પછી પણ દુખાવો મટતો નહોતો. સ્પેશિયાલિસ્ટને બતાવ્યું અને નિદાન એવું થયું કે ગર્ભાશયમાં ગાંઠ છે. ઑપરેશન કરવું પડશે, ગર્ભાશયની કોથળી કાઢી નાખવી પડશે. બધા હેબતાઈ ગયાં. પરીક્ષા તો ઠીક, પણ આની ઉંમર નાની અને આવું દર્દ, પણ નિર્ણય લેતાં પહેલાં એના પપ્પાના એક મિત્ર સુરેન્દ્રનગરમાં ડૉક્ટર છે એને ફાઈલ મોકલી. એમણે અમદાવાદ વાત કરી. ડૉક્ટરને કૅન્સરની શંકા હતી. અમે બધા હેબતાઈ ગયાં, પરંતુ ઑપરેશન તો નક્કી હતું, પણ અમદાવાદના ડૉક્ટરે કહ્યું કે ફક્ત ગાંઠ કાઢશું, ગર્ભાશય કાઢવાની જ‚રૂર નથી. સર્જરી થઈ, ગાંઠ બાયોપ્સી માટે પણ મોકલવામાં આવી. એનો રિપોર્ટ આવે ત્યાં સુધી મનમાં રીતસર ભય હતો, પણ હિમાંશીબા એક જ રટણ લઈને બેઠી હતી કે ‘કાંઈ પણ થાય, હું બોર્ડની પરીક્ષા આપીને જ રહીશ!’ ડૉક્ટરે કહ્યું હતું બે મહિના આરામ કરવો પડશે, પણ એ તો તૈયારી કરે છે.

સદનસીબે બાયોપ્સીનો રિપોર્ટ એવો આવ્યો કે એ ગાંઠ સામાન્ય હતી. કૅન્સર નથી. બધાને હાશ થયું. પરીક્ષાની તૈયારી કરી કરેલી હિમાંશીબા કહે છે, ધોરણ ૧૨ કૉમર્સમાં મને ૯૦ ટકા માર્ક્સ આવશે. પીડાનો એક તબક્કો આવ્યો અને જતો રહ્યો એટલે કંઈ હિંમત થોડી હારી જવાય? ૧૨ માર્ચ, સોમવારથી બોર્ડની પરીક્ષા શરૂ થશે. કેટલાય પરીક્ષાર્થી ડરતા હશે, મૂંઝાતા હશે, પણ જો હિમાંશીબા આવી કપરી સ્થિતિમાંથી પસાર થઈનેય પરીક્ષા માટે સજ્જ હોય અને એને આત્મવિશ્વાસ હોય તો પછી સાજા-સારા વિદ્યાર્થીઓએ શા માટે ડર રાખવો? આજે આખા ‘વિશ્વમાં મહિલા દિવસ’ ઉજવાઈ રહ્યો છે, પરંતુ ‘જી.કે. ધોળકિયા સ્કૂલ’ની ટીમ અને હિમાંશીબાએ તો ખરા અર્થમાં આ પરીક્ષા પણ સશક્તિકરણના પર્વની જેમ ઊજવી!

અહેવાલ: જ્વલંત છાયા

તસવીરોઃ નીશુ કાચા